વિશ્વ પર મંડરાતા મહાયુદ્ધના વાદળો વિખેરાશે? ટ્રમ્પનો હુંકાર: ‘યુદ્ધ હવે અંતની નજીક’
ઈસ્લામાબાદમાં ભારત-ઈરાન વચ્ચે નિર્ણાયક શાંતિવાર્તાના એંધાણ
લગભગ ૪૩ વર્ષના લાંબા અંતરાલ બાદ ઇઝરાયલ અને લેબનોન બંને દેશો ટેબલ પર સામસામે બેસશે.
નવી દિલ્હી/વોશિંગ્ટન: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો ભયાનક તણાવ હવે શાંતિ તરફ વળે તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યા નિવેદનમાં દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે તેના અંતની ખૂબ જ નજીક છે. આ જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે રાજદ્વારી ગરમાવો વધી ગયો છે અને આશા જાગી છે કે આગામી થોડા દિવસોમાં રક્તપાતનો અંત આવી શકે છે.
પાકિસ્તાન બનશે મધ્યસ્થીનું કેન્દ્ર
ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટોનો બીજો રાઉન્ડ આગામી બે દિવસમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શરૂ થઈ શકે છે. અગાઉની ૨૧ કલાક લાંબી વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ પણ બંને પક્ષો ફરી ટેબલ પર આવવા તૈયાર થયા છે. ટ્રમ્પે આ મધ્યસ્થી માટે પાકિસ્તાની નેતૃત્વ અને ખાસ કરીને અસીમ મુનીરની ભૂમિકાની પ્રશંસા કરતા તેમને ‘શાનદાર’ ગણાવ્યા છે.
અમેરિકાની બે આકરી શરતો
શાંતિ સ્થાપવા માટે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સામે બે મુખ્ય શરતો મૂકી છે:
-
હોર્મુઝની સામુદ્રધુની: આંતરરાષ્ટ્રીય શિપિંગ અને વેપાર માટે આ જળમાર્ગ સંપૂર્ણપણે ખુલ્લો રાખવો પડશે.
-
ટોચના નેતૃત્વની મંજૂરી: ઈસ્લામાબાદમાં જે પણ કરાર થાય તેને ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વ (સુપ્રીમ લીડર) દ્વારા લેખિત મંજૂરી મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન રહે.
ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ૪૩ વર્ષ બાદ સીધી વાતચીત
આ ઘટનાક્રમની સૌથી મોટી સફળતા એ છે કે ઇઝરાયલ અને લેબનોન પણ સીધી વાટાઘાટો માટે સહમત થયા છે. લગભગ ૪૩ વર્ષના લાંબા અંતરાલ બાદ આ બંને દેશો ટેબલ પર સામસામે બેસશે. વોશિંગ્ટનમાં મધ્યસ્થી માર્કો રુબિયોએ આ બેઠકને અત્યંત સકારાત્મક ગણાવી છે. આ પગલું મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ સ્થાપવા માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.
ટ્રમ્પે પોતાના ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે જો અમેરિકાએ કડક હસ્તક્ષેપ ન કર્યો હોત તો ઈરાન આજે પરમાણુ શક્તિ બની ગયું હોત, જે વિશ્વના સંતુલન માટે ખતરનાક હતું. બીજી તરફ, અમેરિકાએ લાદેલી નૌકાદળ નાકાબંધીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ જે ૧૦૦ ડોલરને પાર કરી ગયા હતા, તે હવે વાટાઘાટોના સમાચારથી ઘટીને ૯૫ ડોલરની આસપાસ સ્થિર થયા છે.
જોકે પરિસ્થિતિ હજુ પણ નાજુક છે. એક તરફ યુએસ નેવી ઈરાની બંદરો પર દબાણ બનાવી રહી છે, તો બીજી તરફ રાજદ્વારી સ્તરે મંત્રણા તેજ બની છે. જો આ અઠવાડિયે પાકિસ્તાનમાં યોજાનારી વાટાઘાટો સફળ રહેશે, તો તે ૨૧મી સદીની સૌથી મોટી રાજદ્વારી જીત ગણાશે. વિશ્વની નજર હવે ઈસ્લામાબાદ પર છે, જ્યાં આવનારા ૪૮ કલાક દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે.
