Western Times News

Gujarati News

ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધા શપથ

અમદાવાદ, આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં લોકશાહીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય અને મહત્તમ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં SVAP (State Voters Awareness Programme) નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ હેઠળ તાજેતરમાં જિલ્લાની ૬૨૦ જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે ૩૦,૦૫૪ જેટલા વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને વાલીઓએ એકસાથે મળીને મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કર્યા હતા.

ચૂંટણી પ્રક્રિયામાં યુવા પેઢી અને નાગરિકોની ભાગીદારી વધારવા માટે શાળાઓમાં નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા અને સૂત્રલેખન જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ બધા કામ છોડી દો, સૌથી પહેલા વોટ દોઅને તમારો મત, તમારી તાકાતજેવા પ્રેરણાદાયી સૂત્રો દ્વારા સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર SVAPના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આગામી સમયમાં યોજાનારી મતદાન જાગૃતિ રેલી, માનવ સાંકળ અને રંગોળી સ્પર્ધા જેવા કાર્યક્રમો માટે પણ અનેરો ઉત્સાહ દર્શાવ્યો છે. સમગ્ર જિલ્લામાં આ અભિયાન દ્વારા લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે એક સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.