Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની કાર્ગો રેક મોકલી

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ પરિવહન ક્ષેત્રમાં નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જમ્મુ-કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે.આ વિશેષ કન્સાઇન્મેન્ટ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) માટે લિંચ (LCH) સ્ટેશન પરથી લોડ કરવામાં આવી છે. આ રેકમાં કુલ 20 બીસીએન વેગનોનો સમાવેશ થાય છે, જેને બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. 10 વેગન બારી બ્રાહ્મણ (BBMN) અને બાકીના 10 વેગન ઉત્તર રેલવેના જમ્મુ-તવી મંડળના અનંતનાગ (ANT) સ્ટેશન માટે મોકલવામાં આવ્યા છે.

આ પરિવહન દ્વારા રેલવેને ₹24.62 લાખનું માલભાડું આવક રૂપે પ્રાપ્ત થયું છે. આ પહેલ માત્ર ડેરી ઉત્પાદનોની સતત પુરવઠા શ્રેણી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું જ નથી, પરંતુ દેશના દૂરસ્ત વિસ્તારો સુધી આવશ્યક વસ્તુઓ પહોંચાડવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઑક્ટોબર 2025માં કાશ્મીર ખીણમાં માલ પરિવહન ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ હતી, જ્યારે 1,350 ટન ઔદ્યોગિક મીઠાની પ્રથમ રેલ કન્સાઇન્મેન્ટ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા (KOD) સ્ટેશનથી અનંતનાગ (ANT) સ્ટેશન સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવી હતી.

મીઠા અને દૂધ ઉત્પાદનોની આ સફળ કન્સાઇન્મેન્ટ દ્વારા અમદાવાદ મંડળે જમ્મુ-કાશ્મીર સાથેના પોતાના વેપારી અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. આ પહેલ ગુજરાતના ડેરી અને ઔદ્યોગિક ક્ષેત્રોને કાશ્મીર ખીણના બજારો સાથે સીધી રીતે જોડવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.