Western Times News

Gujarati News

દેશ હિતમાં અને નાગરિકોના હિતમાં રજૂ કરાતા બિલનો કોંગ્રેસ વિરોધ કરે છેઃ ભાજપ

મહિલા આરક્ષણ બિલ પસાર કરવામાં કોંગ્રેસે રોડાં નાંખ્યા

ત્રણ તલ્લાકના બિલનો પણ કોંગ્રેસે ખૂબ વિરોધ કર્યો હતો. નારી સમાજનું અપમાન કરીને કોંગ્રેસે મોટી ભૂલ કરી છે અને તેના પરિણામો કોંગ્રેસે ભોગવવા પડશે.

(પ્રતિનિધિ) અમદાવાદ, સંસદમાં મહિલા આરક્ષણ બિલના વિરોધમાં મતદાન કરીને બિલને પસાર નહીં થવા દઈને મહિલાઓની આશા- અપેક્ષા પર પાણી ફેરવી દીધું હોવાનો ભાજપે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આક્ષેપ કર્યો છે.

છેલ્લાં બે- ત્રણ દિવસથી મહિલા આરક્ષણ બિલ મામલે જાગેલા વિવાદના સંદર્ભમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ ચૂંટણી સંચાલનના ઈન્ચાર્જ ગોરધન ઝડફીયા અને રાજ્યના મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૩માં ડી-લિમિટેશન સાથેનું બિલ લાવ્યા હતા અને ભવિષ્યમાં સંશોધન કરીને બિલ લાગુ કરવાની બાબત હતી તે વેળા કોંગ્રેસે ટેકો આપ્યો હતો

પરંતુ ત્રણ વર્ષમાં કોંગ્રેસે આ બિલને પાસ કરવામાં રોડાં નાંખ્યા છે. ભાજપ અને એનડીએની સરકારે વિધાનસભા અને લોકસભામાં ૩૩ ટકા મહિલા જન ભાગીદારીનું બિલ રજ કરાયું હતું. પરંતુ વર્ષો સુધી મહિલાઓનો વોટબેંકનો ઉપયોગ કરનાર કોંગ્રેસે બિલ પસાર નહીં થવા દઈને મહિલાઓની આશા- અપેક્ષા પર પાણી ફેરવી દીધું છે. દેશ હિતમાં અને નાગરિકોના હિતમાં કોઈપણ બિલ રજૂ કરવામાં આવે તો તેનો કોંગ્રેસ વિરોધ કરે છે.

ત્રણ તલ્લાકના બિલનો પણ કોંગ્રેસે ખૂબ વિરોધ કર્યો હતો. નારી સમાજનું અપમાન કરીને કોંગ્રેસે મોટી ભૂલ કરી છે અને તેના પરિણામો કોંગ્રેસે ભોગવવા પડશે.

અમદાવાદ શહેરમાં સ્થાનિક રહીશો, કાર્યકરો દ્વારા ઠેર ઠેર ભાજપનો વિરોધ થઈ રહ્યો હોવા અંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલાને પત્રકારોએ પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે, અત્યારે આ બાબતે કોઈ જવાબ નહીં આપી શકીએ.

ચૂંટણી ટાણે થઈ રહેલા વિરોધ મામલે જવાબ આપવાનું ટાળવું તે ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સવાલોને લઈને અકળાયા ઉઠ્‌યા હતા. જોકે, પછી બચાવમાં શહેર પ્રમુખે ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીતશે કહીને આ મુદ્દે કોઈ વધારે જવાબ આપવાનું ટાળીને ઉભા થઈને જતાં રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.