Western Times News

Gujarati News

નકલી ટોલબૂથ પકડાયું વાહન ચાલકોને રસીદ પણ આપતા !

પ્રતિકાત્મક

નેશનલ હાઈવે નં.૪૮ના ટોલ ટેક્સથી બચવા કામરેજના અંતરિયાળ વિસ્તારમાંથી નીકળતાં વાહનો પાસેથી ઉઘરાવાતો હતો ટોલ ટેક્સઃ ગ્રામ પંચાયતનો ઠરાવ હોવાનો સંચાલકોનો દાવો

સુરત, ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી સરકારી અધિકારીઓના કિસ્સાઓ અટકવાનુ નામ નથી લેતા. સુરત જિલ્લાના કામરેજમાં હવે નકલી ટોલનાકું ઝડપાયું છે. નેશનલ હાઈવે નંબર ૪૮ના ટોલ ટેકસથી બચવા માટે આંતરિક રસ્તાનો ઉપયોગ કરતા વાહનચાલકો પાસેથી અહીં ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામા આવતા હતા. નકલી ટોલ ટેકસની રસીદ પણ વાહન ચાલકોને અપાતી હતી !

કામરેજના ચોર્યાસી ગામની સીમમાં નેશનલ હાઈવેને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા પંચાયતના રસ્તા પર આ ટોલનાકું ઉભું કરવામાં આવ્યું હતું. હકીકતમાં હાઈવે પરના મુખ્ય ટોલનાકાને બાયપાસ કરવા માટે ઘણા વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક શખસોએ ત્યા નાકું નાખી દીધું અને પસાર થતા નાના-મોટા વાહનો પાસેથી રસીદ ફાડી ઉઘાડી લૂંટ શરૂ કરી હતી.

આ મામલે કેટલાક જાગૃત નાગરિકોએ ટોલનાકું ચલાવનારાઓને મંજૂરી બાબતે પુછપરછ કરી ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શકયા નહોતા. આ સમગ્ર ગેરરીતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ કામરેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આ ગેરકાયદે ટોલનાકું ત્યાંથી હટાવી દીધું છે અને ઉઘરાવવામાં આવતી રસીદો કબજે કરી છે.

આ મામલે કામરેજના પી.આઈ. રામ ગોજિયાએ જણાવ્યું કે, પુછપરછ દરમિયાન સંચાલકોએ ગ્રામ પંચાયતનો ઠરાવ હોવાનો દાવો કર્યો છે. જોકે પંચાયત આ રીતે રસ્તા પર ટોલ નાખીને નાણાં ઉઘરાવી શકે કે કેમ, તે અંગે તાલુકા વિકાસ અધિકારી (ડીટીઓ) પાસે તપાસ કરાવવામાં આવી રહી છે.

આટલા મોટાપાયે જાહેરમાં ગેરકાયદે વસૂલાત થતી હોવા છતાં સ્થાનિક પોલીસ કે વહીવટી તંત્રને આ બાબતની જાણ કેમ ન થઈ ? તે એક મોટો પ્રશ્ર છે. હાલમાં ટોલનાકું હટાવી દેવાયું છે પરંતુ સંચાલકો સામે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.