Western Times News

Gujarati News

ગોધરામાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ પર દરોડોઃ ત્રણ આરોપી સાથે રૂ.૮૭,૬૦૦નો મુદ્દામાલ જપ્ત

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગના ધંધા સામે એસ.ઓ.જી. પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવ તલાવડી નજીક જાહેર રોડ પર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને કુલ રૂ. ૮૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

માહિતી મુજબ, એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. વહોનીયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવ તલાવડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બે રીક્ષામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ૮ મોટા ગેસ સિલિન્ડર, એક પીત્તળની રીફીલીંગ પાઇપ તેમજ બે રીક્ષાઓ જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ઓમપ્રકાશ ઇશ્વરલાલ તારાણી, મુકેશકુમાર ટીનુભાઈ સોલંકી અને મહંમદ આરીફ યાકુબ સદામસનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ આરોપીઓ ગોધરાના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે. આ મામલે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.