Western Times News

Gujarati News

ચોટીલામાં અનૈતિક પ્રવૃત્તિ ચલાવતી બે હોટલનો કબજો એક વર્ષ સરકાર હસ્તક

File Photo

પ્રશાસનની લાલ આંખથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ફફડાટ

ચોટીલા, પવિત્ર યાત્રાધામ ચોટીલામાં નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્ક પર વહીવટી તંત્રએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચટી મકવાણા દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલને એક વર્ષ માટે તાત્કાલિક અસરથી બંધ કરી તેનો કબજો સરકાર હસ્તક લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે રચવામાં આવેલી સ્પેશિયલ ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં બહાર આવ્યું હતું કે, નેશનલ હાઈવે નં.૪૭ પર આવેલી દેવાભાઈ ભીખાભાઈ આલની માલિકીની સિટી પેલેસ હોટલ અને સંજયભાઈ અમુભાઈ ડાભીની બાલાજી હોટલમાં ખુલ્લેઆમ વેશ્યાવૃત્તિ ચાલતી હતી. ગ્રાહકો પાસેથી વ્યક્તિદીઠ રૂ.૧૦૦૦ વસૂલીને આ અનૈતિક કારોબાર ધમધમતો હતો.

હોટલ માલિકો અને સંચાલકોની સીધી સંડોવણી અને મૌન સહમતિથી આ કેન્દ્ર ચાલતું હોવાનું સાબિત થયું હતું. આ ગંભીર બદલ નાયબ કલેકટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન હોટલ માલિકોએ પણ ગુનાની કબૂલાત કરતા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદા અનુસાર કડક કાર્યવાહીકરવામાં આવી છે.

બન્ને હોટલોને એક વર્ષની મુદ્દત માટે સદંતર બંધ કરવાના હુકમ સાથે હોટલનો ભૌતિક કબજો તાત્કાલિક ધોરણે સરકાર હસ્તક લેવા આદેશ કરવામાં આવ્યો છે.
ચોટીલા જેવા પવિત્ર યાત્રાધામની છબી ખરડાય તેવી કોઈપણ અનૈતિક પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.

આ પ્રકારના કૃત્યોમાં સામેલ હોટલ માલિકો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.