Western Times News

Gujarati News

ગીર પંથકમાં કેસર કેરીના પાક પર જીવાતોનું ગ્રહણ

File

ગીર પંથકમાં મધિયો, ઇયળ અને સોનમાખનો આતંક

અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તાર સહિત ગીર પંથકમાં પ્રખ્યાત કેસર કેરીના પાક પર વધુ એક આફત આવી છે. કમોસમી વરસાદના માર બાદ હવે જીવાતો અને રોગોના પ્રકોપે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખાસ કરીને કેરીના પાકમાં મધિયો, ઇયળ અને સોનમાખ (ફ્રૂટ ફ્લાય) જેવા જીવજંતુઓના વધતા ઉપદ્રવને કારણે ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે.

સ્થાનિક ખેડૂત મહેન્દ્રભાઈ વસોયાએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. કેરીને અંદરથી ખાઈ જતી ઇયળ અને ફ્રૂટ ફ્લાયના કારણે પાકને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. બહારથી કેરી સારી દેખાતી હોવા છતાં અંદરથી બગડી જતી હોવાને કારણે બજારમાં તેની કિંમત ઘટી રહી છે અને ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે. પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ખેડૂતો પાક બચાવવા માટે વિવિધ પ્રકારની કીટનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં જીવાતોનો સંપૂર્ણ નાશ થતો નથી. દવાઓનો ખર્ચ વધતા ખેતી ખર્ચમાં વધારો થયો છે, જ્યારે પાકની ગુણવત્તા ઘટતા આવકમાં ઘટાડો થવાનો ભય ઉભો થયો છે.

આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે ખેતી કરવી વધુ પડકારજનક બની રહી છે.બીજી તરફ બાગાયત વિભાગ પણ સક્રિય બન્યો છે. તાલાલાના બાગાયત અધિકારી વિજયસિંહ બારડે જણાવ્યું હતું કે હાલ કેસર કેરીમાં કેટલાક રોગો અને જીવાતો જોવા મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેઓએ ખેડૂતોને સલાહ આપી છે કે નિષ્ણાતોની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવો, સમયસર છંટકાવ કરવો અને પાકની નિયમિત દેખરેખ રાખવી.

ઉપરાંત, બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી પાકને વધુ નુકસાનથી બચાવી શકાય. યોગ્ય નિયંત્રણ અને સમયસર પગલાં લેવામાં આવે તો નુકસાન ઘટાડવામાં મદદ મળી શકે છે.

હાલની પરિસ્થિતિમાં ગીર પંથકના કેસર કેરી પકવતા ખેડૂતો માટે આ સમય કપરા પડકારોથી ભરેલો છે. કુદરતી આફતો અને જીવાતોના પ્રકોપ વચ્ચે પાકને બચાવવા માટે ખેડૂતો સતત પ્રયત્નશીલ છે, પરંતુ યોગ્ય સહાય અને માર્ગદર્શન મળવું અત્યંત જરૂરી બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.