Western Times News

Gujarati News

વાડજમાં દિવ્યાંગ મનજીભાઈ રામાણીએ મતદાન મથકે પહોંચી આપ્યો વોટ

૯ વર્ષની ઉંમરે કેવી રીતે બંને હાથ ગુમાવ્યા? ચૂંટણીમાં વાડજના દિવ્યાંગ મનજીભાઈ રામાણી પગની આંગળીથી મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવે છે

અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જોકે મતદાનની આ પ્રક્રિયામાં હજુ પણ ઘણા મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળતો નથી, ત્યારે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા મનજીભાઈ રામાણીએ લોકશાહીના પર્વમાં મતદાનનો અનોખો મેસેજ આપ્યો છે.

પોતે બે હાથથી દિવ્યાંગ હોવા છતાં તેઓએ મતદાન મથકે પહોંચી કિંમતી વોટ આપ્યો હતો અને હાથ ન હોવાથી મતદાન મથકમાં તેમના ડાબા પગની આંગળીએ શાહીનું નિશાન કરાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા આ દિવ્યાંગ મનજીભાઈ છેલ્લા ૩૫ વર્ષથી આ રીતે જ મતદાન કરે છે. તેઓએ જણાવ્યું કે, વર્ષ ૧૯૭૦માં રાજકોટમાં શેરડી પીલવાના કારખાનામાં ગોળ બનાવવાનું કામ કરતા હતા. ત્યારે તેમના બંને હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયા હતા.

ત્યારે મનજીભાઈની ઉંમર માત્ર ૯ વર્ષ હતી. જોકે મનજીભાઈની કલાકારી અજોડ છે. તેઓ બે હાથ નહીં હોવા છતાં મોં વડે ચિત્રો દોરી શકે છે અને છેલ્લા ૩૫ વર્ષથી લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરે છે.

હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે વાડજમાં રહેતા મનજીભાઈ રામાણીએ મતદાનનો અનોખો મેસેજ આપ્યો છે. બે હાથ નહીં હોવા છતાં તેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. હાથ નહીં હોવાથી તેમને વોટ આપ્યા બાદ ડાબા પગની આંગળીએ શાહીનું નિશાન કરાવવામાં આવે છે. મતદાન કરતા પૂર્વે તેઓએ મોં વડે પેન પકડી સહી કરે છે.

મહત્વનું છે કે મનજીભાઈ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરે છે. તેઓનું માનવું છે કે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ તેવી તેઓએ અપીલ પણ કરી છે. તેઓ પત્ની કૈલાશબેન રામાણી સાથે મતદાન માટે પહોંચ્યા હતા. બંને દંપતીએ મતદાનનો મેસેજ આપ્યો છે. આમ, શરીરે સશક્ત લોકો પોતે મતદાન કરવા ઘરની બહાર નથી નીકળતા ત્યારે તેવા લોકો માટે મનજીભાઈ ઉદાહરણ રૂપ બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.