Western Times News

Gujarati News

એચ૧બી વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી અટકાવી દેવા અમેરિકન સંસદમાં બિલ રજૂ કરાયું

વોશિંગ્ટન, સસ્તાં વિદેશી શ્રમિકો, અમેરિકન યુવાનોની રોજગારી પર તરાપ મારતા હોવાનો આક્ષેપ મુકતા રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ ભારતીય પ્રોફેશ્નલ્સમાં સૌથી લોકપ્રિય એવા એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે અટકાવી દેવાની માગ કરી છે. આ બિલમાં સૂચવાયેલાં મોટાભાગના સુધારા ભારતીય પ્રોફેશ્નલ્સ માટે ફટકા સમાન છે.

એરિઝોનાના સાંસદ એલી ક્રેને ‘એન્ડ એચ-૧બી વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬’ રજૂ કર્યું છે, જેને અન્ય સાત રિપબ્લિકન સાંસદોએ સમર્થન આપ્યું હતું. આ બિલમાં એચ-૧બી પ્રોગ્રામમાં વિવિધ સુધારા કરવાની દરખાસ્ત કરાઈ છે. જેમાં વાર્ષિક એચ-૧બી વિઝાની સંખ્યા વર્તમાન ૬૫,૦૦૦થી ઘટાડીને ૨૫,૦૦૦ કરવાની તથા વાર્ષિક ન્યૂનતમ વેતન બે લાખ ડોલર કરવા ઉપરાંત એચ-૧બી વિઝાધારકોને તેમના આશ્રિતોને અમેરિકામાં લાવવા પર પ્રતિબંધ મુકવાની માગ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, એચ-૧બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેન્કોલોજી કંપનીઓ દ્વારા કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવે છે.

એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ ટેન્કોલોજી અને ફિઝિશયન્સ સહિતના ભારતીય પ્રોફેશ્નલ્સને થાય છે. બિલમાં પ્રસ્તાવિત અન્ય સુધારાઓમાં પ્રવર્તમાન લોટરી આધારીત સિસ્ટમને બદલે વેતન આધારીત સિલેક્શન સિસ્ટમ લાગુ કરવાની, અમેરિકામાં યોગ્ય કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ નહીં મળતાં હોવાનું તથા તેઓ કોઈની છટણી નહીં કરે તેવું કંપની દ્વારા જાહેર કરવાની, એચ-૧બી વિઝાધારકે એકથી વધુ નોકરી નહીં કરવાની તથા થર્ડ-પાર્ટી એજન્સીઓ દ્વારા તેમને નોકરી પર રાખવા પર પ્રતિબંધ મુકવાનો સમાવેશ થાય છે.

બિલમાં સંઘીય એજન્સીઓને નોન-ઈમિગ્રન્ટ શ્રમિકોને સ્પોન્સર કરવા કે તેમને નોકરી પર રાખવા પર પ્રતિબંધ મુકવાની, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) બંધ કરવાની તથા નોનઈમિગ્રન્ટ વિઝા કામચલાઉ બની રહે તે માટે એચ-૧બી વિઝાધારકને કાયમી નાગરિકત્વ (પરમેનન્ટ રેસિડેન્સી)ના મળે તે સુનિશ્ચિત કરવા પણ તેમાં માગ કરાઈ છે.

એટલું જ નહીં પરંતુ નોનઈમિગ્રન્ટ્‌સ તેના સ્ટેટસને અન્ય નોનઈમિગ્રન્ટસ સ્ટેટસમાં બદલે તે પહેલાં જ તેમના દેશનિકાલની પણ બિલમાં માગ કરાઈ છે. સાંસદ ક્રેને જણાવ્યું હતું કે, સરકારે મહેનત કરતાં નાગરિકોના હિતમાં કામ કરવું જોઈએ, નહીં કે મોટી કંપનીઓના નફા માટે.

જો કંપનીઓ અમેરિકન નાગરિકોને નોકરી પર રાખી શકતી હોય તો તેમણે તેમ કરવું જ જોઈએ. તેમાં કોઈ બહાના કે છીંડા ના હોવા જોઈએ. અન્ય એક સાંસદ પૌલ ગોસરે આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે, અમેરિકન શ્રમિકોને સ્થાને સસ્તાં વિદેશી શ્રમિકોની ભરતી કરવા માટે એચ-૧બી પ્રોગ્રામને હાઈજેક કરી લેવાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.