Western Times News

Gujarati News

સુરત મહાનગર પાલિકામાં ભગવો લહેરાયો: કોણ બનશે નવા મેયર ?

AAP ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ- સુરત વોર્ડ નં. 12માં અપસેટઃ ભાજપની પેનલમાં ભંગાણ પડ્યું, કોંગ્રેસી ઉમેદવારનો વિજય

ગત ચુંટણીમાં 27 બેઠકો પર વિજય મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતની સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ભારે રકાસ

સુરતમાં મેયર પદે પ્રતિભા દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યુ છે જ્યારે  ડેપ્યુટી મેયર તરીકે સૌરાષ્ટ્રના કોઈ ઉમેદવાર પસંદ થાય તેવું સુત્રોએ જણાવ્યુ છે.

(પ્રતિનિધિ) સુરત,  શહેરનાં મજુરા ગેટ ખાતે આવેલ ગાંધી એન્જીનિયરીંગ કોલેજમાં મંગળવારે સવારે 9 કલાકથી સુરત મહાનગર પાલિકાનાં 30 વોર્ડની 120 બેઠકો માટે મત ગણતરીનો પ્રારંભ થયો હતો. મત ગણતરીનાં પ્રારંભ સાથે જ ભારતીય જનતા પાર્ટીનાં ગઢ ગણાતાં સુરત મહાનગર પાલિકામાં વધુ એક વખત ભાજપનો ભવ્ય વિજય નજરે પડ્યો હતો અને એક પછી એક વોર્ડની ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

બપોર સુધીમાં સુરતમહાનગર પાલિકાનાં 30 પૈકી 14 વોર્ડનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં એક માત્ર બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારને બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. બીજી તરફ ગત ચુંટણીમાં 27 બેઠકો કબ્જે કરીને સુરત મહાનગર પાલિકામાં ધમાકેદાર એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી આ વખતે એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ નજરે પડી રહી હતી.

આમ આદમી પાર્ટીનાં ગઢ ગણાતાં વોર્ડમાં પણ આપનાં કદ્દાવર નેતાઓનો કારમો પરાજય થયો હતો અને એક તબક્કે સુરત મહાનગર પાલિકામાં બહુમતિની વાતો કરનાર આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ નજરે પડી હતી.

26મી એપ્રિલનાં રોજ સુરત મહાનગર પાલિકાની ચુંટણી બાદ આજે ગાંધી એન્જીનિયરીંગ કોલેજ ખાતે સવારથી મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો – સમર્થકો અને નેતાઓ સહિત કાર્યકરો વહેલી સવારથી જ ગાંધી એન્જીનિયરીંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા.

શરૂઆતમાં એક બાદ એક વોર્ડનું પરિણામ જાહેર થતાં જ વધુ એક વખત સુરત મહાનગર પાલિકામાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું અને સ્પષ્ટ બહુમતિથી પણ બે ડગલાં આગળ ભાજપ મોટા ભાગનાં વોર્ડમાં વિજય મેળવવામાં સફળ રહ્યું હતું.

ખાસ કરીને આમ આદમી પાર્ટીનાં ગઢ ગણાતાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં પણ આ વખતે ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આમ આદમી પાર્ટી પોતાની બેઠકો જાળવી રાખવાને બદલે ખાતું ખોલાવવામાં પણ હાંફી ગયું હતું.

મહાનગર પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા પાયલ સાકરિયાથી માંડીને પોતાને મેયર પદનાં દાવેદાર ગણાવતાં આપનાં મહામંત્રી મનોજ સોરઠિયાને પણ કારમો પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એકમાત્ર વોર્ડ નં. 12માં ભાજપની પેનલમાં ભંગાણ પડ્યું હતું અને કોંગ્રેસનાં ઉમેદવાર અરસદ જરીવાલાનો વિજય થયો હતો. આ સિવાય બપોરે એક વાગ્યા સુધીમાં જાહેર થયેલ 14 વોર્ડની તમામ બેઠકોમાં એક માત્ર કોંગ્રેસને બાદ કરતાં ભાજપનાં ઉમેદવારોનો ભવ્ય વિજય જોવા મળ્યો હતો.

જેને પગલે ગાંધી એન્જીનિયરીંગ કોલેજમાં ભાજપનાં કાર્યકરો અને નેતાઓનો ઉત્સાહ ચરમ પર પહોંચ્યો હતો. ગાંધી એન્જીનિયરીંગ કોલેજનાં પરિસરમાં ઠેર – ઠેર ભગવો લહેરાતો જોવા મળ્યો હતો અને વિજયી ઉમેદવારોને ઢોલ – નગારાનાં તાલે વધાવી લેવામાં આવ્યા હતા.

સુરત સહિત રાજ્યની મહાનગર પાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચુંટણીની જાહેરાત સાથે જ સુરત મહાનગર પાલિકામાં પહેલી વખત ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જેવો માહોલ સર્જાયો હતો. વરાછા અને કતારગામ સહિત પુણા જેવા સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ભારે જોર કરવામાં આવ્યું હતું અને પહેલી વખત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીનાં શાસનની વાતો વચ્ચે મત ગણતરી દરમિયાન પરિણામો આપ માટે એકદમ વિપરીત જોવા મળ્યા હતા.

જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક વોર્ડ કબ્જે કરતાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ – કાર્યકરોમાં ભારે નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય કોંગ્રેસ દ્વારા પણ આ વખતે સુરત મહાનગર પાલિકાની પાંચથી સાત બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલ વોર્ડ નં. 19માં અસલમ સાયકલવાલાનાં પુત્રની પણ હાર થવા પામી હતી. આ સિવાય એકમાત્ર બેઠકને બાદ કરતાં કોંગ્રેસનાં ઉમેદવારો આ વખતે પણ ધરાર નિષ્ફળ નિવડ્યા હતા અને મતદારોએ વધુ એક વખત કોંગ્રેસને જાકારો આપ્યો હતો.

વોર્ડ નં. 12માં કોંગ્રેસી ઉમેદવાર અરસદ જરીવાલાએ ખાતું ખોલ્યું
ગત ચુંટણીમાં કોંગ્રેસનો એકડો નીકળી જતાં સુરત મહાનગર પાલિકા કોંગ્રેસમુક્ત બનવા પામી હતી. અલબત્ત, આ વખતે કોંગ્રેસ પોતાનું ખાતુ ખોલાવવામાં સફળ રહેવા પામી છે. સુરત મહાનગર પાલિકાનાં વોર્ડ નં. 12 ( નાણાવટ – સૈયદપુરા – કુબેર નગર – મહિધરપુરા)માં કોંગ્રેસી ઉમેદવાર અરસદ જરીવાલા મત ગણતરી દરમિયાન વિજયી નિવડ્યા છે.

કોંગ્રેસી ઉમેદવાર અરસદ જરીવાલાને 20769 વોટ મળ્યા હતા અને માત્ર 750 વોટથી તેમનો વિજય નિવડ્યો છે. જ્યારે સૌથી વધુ ચર્ચાસ્પદ વોર્ડ નં. 19 (આંજણા – ડુંભાલ)માં અસલમ સાયકલવાલાના પુત્રની કારમી હાર જોવા મળી હતી. પોતાના વિજય બાદ અરસદ જરીવાલાએ મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ પ્રજાહિતનાં કામો માટે કાયમ સક્રિય રહેશે.

બહુ ગાજેલા AAPનાં મહામંત્રી મનોજ સોરઠિયાની કારમી હાર
સુરત મહાનગર પાલિકાનાં વોર્ડ નં. 4 (કાપોદ્રા) બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવનારા આમ આદમી પાર્ટીનાં મહામંત્રી મનોજ સોરઠિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહાનગર પાલિકાની ચુંટણીનાં પ્રચાર દરમિયાન મેયર પદની રેસમાં હોવાની ડંફાસ મારી રહેલા મનોજ સોરઠીયા મત ગણતરીનાં પહેલા રાઉન્ડથી ભાજપનાં ઉમેદવારથી પાછળ નજરે પડ્યા હતા અને અંદાજે ચાર હજાર જેટલા વોટથી તેમનો કારમો પરાજય થયો છે.

ગત ચુંટણીમાં 27 બેઠકો પર વિજય મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતની મહાનગર પાલિકાની ચુંટણીમાં ભારે રકાસ થઈ રહેલો નજરે પડી રહ્યો છે અને પ્રારંભિક 10 વોર્ડની મત ગણતરી દરમિયાન આમ આદમી પાર્ટીનાં એક પણ ઉમેદવાર ખાતું ખોલાવવામાં સફળ રહ્યા ન હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.