તિજોરીનું બગડી લોક રીપેર કરવા આવેલો ગઠીયો મહિલાની નજર ચૂકાવી સોના-ચાંદીના દાગીના ઉઠાવ્યા
AI Image
સોનાનો હાર તેમજ ચાંદીના દાગીના મળી રૂ.૪ લાખ ૩૬ હજારની મત્તા ઉઠાવીઃ
જામનગર, : ધ્રોલ શહેરના પડધરી નાકા નજીક વસવાટ કરતા એક પ્રૌઢાએ પોતાના ઘરમાં રહેલી તિજોરીનો બગડી ગયેલો લોક રીપેર કરવા માટે સરદારજી જેવા લાગતા શખ્સને ઘરમાં આવવા દીધા પછી આ શખ્સ તે મહિલાની નજર ચૂકાવી તિજોરીમાંથી પાંચ તોલાનો સોનાનો હાર, એક તોલાનું પેંડલ, સાડા પાંચસો ગ્રામ વજનના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૪ લાખ ૩૬ હજારના દાગીનાની ચોરી કરી નાસી ગયો છે.
નવતર પ્રકારની ચોરીના આ કિસ્સાની વધુ વિગત મુજબ ધ્રોલ શહેરમાં પડધરી નાકા પાસે વાણીયા ચોકમાં રહેતા જાનીબેન ભલાભાઇ ભુંડિયા (ઉ.વ.પ૧) નામના પ્રૌઢા શુક્રવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઘરની નજીકની શેરીમાં લોક રીપેર કરવા માટે એક સરદારજી આવ્યા હતા. જેની જાણ જાનીબેનને થતાં આ મહિલાએ પોતાના ઘરમાં રહેલા કબાટનો બગડી ગયેલો લોક રીપેર કરી જવા માટે આ અજાણ્યા સરદારજીને જણાવ્યું હતું.
ત્યારપછી અગિયારેક વાગ્યે આ મહિલાના ઘરમાં આવેલા લોક રીપેર કરવાવાળા શખ્સે જાનીબેનને મકાનની ચાવીનો જુડો આપવાનું કહેતા આ મહિલાએ તેને જુડો આપ્યો હતો.
ત્યારપછી લોકમાં ચાવી લગાડી સરદારજીએ તેમાં તેલ પુરવાની જરૂરિયાત હોવાનું જણાવતા અને તેલ લઈ આવવાનું કહેતા જાનીબેન તેલ લેવા ઘરના બીજા ઓરડામાં ગયા એટલી જ વારમાં આ શખ્સે અંદરથી સોનાનો પાંચ તોલાનો હાર, એક તોલા વજનનું સોનાનું પેન્ડલ, પગમાં પહેરવાના ચાંદીના ૩૦૦ ગ્રામના સાંકળા તથા અઢીસો ગ્રામનું ચાંદીનું કડું મળી કુલ રૂ।.૪,૩૬,૦૦૦ની મત્તા કબાટમાંથી ઉઠાવી લીધી હતી.
ત્યારપછી થોડીવાર આડી અવળી વાતો કરી આ શખ્સ ચાલ્યો ગયો હતો. તેના ગયા પછી જાનીબેને પોતાના કબાટમાં ચેક કરતા ઉપરોક્ત દાગીના જોવા ન મળતા હાંફળાફાંફળા બનેલા આ મહિલાએ આજુબાજુમાં તપાસ કરાવી હતી અને પોતાના પરિવારજનોને પણ જાણ કરી હતી.
લોક રીપેર કરવા આવેલા સરદારજી જેવા આ શખ્સની શોધ કરવામાં આવ્યા પછી પણ તેનો પત્તો નહીં લાગતા આખરે શનિવારે જાનીબેને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવા ઉપરાંત કેટલાક વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી આ શખ્સના સગડ દબાવ્યા છે.
