Western Times News

Gujarati News

આરટીઈ હેઠળ પ્રી-પ્રાઈમરીમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સ્કૂલોમાં વંચિત વર્ગાે માટે ૨૫ ટકા આરટીઈ ક્વોટાને ‘રાષ્ટ્રીય અભિયાન’ ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, સ્થાનિક ખાનગી સ્કૂલો વિલંબ વગર શિક્ષણ અધિકાર ધારા હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બંધારણીય અને કાનૂની રીતે બંધાયેલી છે.

પ્રી-પ્રાઈમરી ક્લાસમાં એડમિશનને રાષ્ટ્રીય અભિયાન બનાવવા પર ભાર મૂકી સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, સરકાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને મોકલે તે પછી સ્કૂલો પાસે પ્રવેશ આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી.

ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, સરકારનું અનુદાન ન મેળવતી નજીકની સ્કૂલો આરટીઈ માળખા હેઠળ વિદ્યાર્થીઓને વિલંબ વગર પ્રવેશ આપવા બંધાયેલી છે. આવા પ્રવેશનો ઇનકાર બંધારણની કલમ ૨૧એ હેઠળના શિક્ષણના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.

ચુકાદામાં જણાવાયુ હતું કે આરટીઈ ધારા, ૨૦૦૯ની કલમ ૧૨ હેઠળ સમાજના નબળા અને વંચિત વર્ગના બાળકોને ૨૫ ટકા સુધી પ્રવેશ આપવાની જોગવાઈ સમાજના સામાજિક માળખાને બદલવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. આ જોગવાઇનો નિષ્ઠાપૂર્વક અમલ પરિવર્તનશીલ પગલું છે.

કલમ ૨૧એ હેઠળના અધિકારની બંધારણીય ઘોષણા, ત્યારબાદ કાયદાની કલમ ૩ હેઠળ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટેના આદેશને તેને અસરકારક અમલથી સાકાર કરી શકાય છે.ન્યાયાધીશ નરસિંહાએ જણાવ્યું હતું કે આવા વિદ્યાર્થીઓના પ્રવેશની ખાતરી કરવી એ એક રાષ્ટ્રીય મિશન અને સ્થાનિક સત્તાવાળાઓની ફરજ છે.

લખનૌ પબ્લિક સ્કૂલ એલ્ડિકોની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.આ સ્કૂલે સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીને પ્રવેશ આપવાના હાઇકોર્ટના આદેશ પડકાર્યાે હતો. સ્કૂલે યુપીના ૨૦૧૧ના બાળકો માટેના મફત અને ફરજિયાત શિક્ષણના નિયમો હેઠળ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ હેઠળ એક વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યાે હતો.

વિદ્યાર્થીની યોગ્ય પસંદગી થઈ હોવા છતાં અને તેનું નામ સત્તાવાર સરકારી યાદીમાં હોવા છતાં સ્કૂલે પાત્રતા અંગે અનિશ્ચિતતાનો હવાલો આપી પ્રવેશ આપવાનો ઇનકાર કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.