ક્રુડ ઓઈલ ૧૨૬.૪૧ ડોલરઃ રૂપિયો ડોલર સામે તૂટીને 95.33ની નજીક પહોંચ્યો
AI Image
નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર આર્થિક બજાર પર જોવા મળી રહી છે. ઈરાન પર સંભવિત સૈન્ય હુમલાના અહેવાલોને પગલે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં ૭.૧ ટકાનો તોતિંગ ઉછાળો આવતા તે પ્રતિ બેરલ ૧૨૬.૪૧ ડોલરની ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આ ઉછાળાની સૌથી માઠી અસર ભારતીય અર્થતંત્ર પર પડી છે, જેમાં રૂપિયો ડોલર સામે તૂટીને ૯૫.૩૨૫૦ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે.
એક્સિઓસના અહેવાલ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના એડમિરલ બ્રેડ કૂપર ઈરાન સામેના સૈન્ય વિકલ્પો અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને માહિતગાર કરવાના છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા અવરોધને દૂર કરવા માટે ઈરાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ‘ટૂંકા અને શક્તિશાળી’ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી હોવાના સમાચારથી એશિયન ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડ ૧૨૬.૪૧ ડોલર અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ૧૧૦.૩૧ ડોલર પર પહોંચી ગયું હતું.
ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારતીય શેરબજારમાં પ્રચંડ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી ૨૩,૮૫૦ ની નીચે સરકી ગયો હતો. રૂપિયો ગત માર્ચ મહિનાના ૯૫.૨૧ ના રેકોર્ડને તોડીને વધુ નબળો પડ્યો છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં રૂપિયો અંદાજે ૬ ટકા જેટલો ઘટી ચૂક્યો છે. અર્થશાસ્ત્રીઓના મતે, જો તેલના ભાવ ૧૦૦ ડોલરની આસપાસ રહેશે તો ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને ૬ ટકા સુધી જઈ શકે છે.
ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટી અને બોન્ડ માર્કેટમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર માર્ચ અને એપ્રિલ મહિનામાં જ ૨૦ અબજ ડોલરથી વધુનું આઉટફ્લો નોંધાયું છે, જે વર્ષ ૨૦૨૫ના કુલ આઉટફ્લો કરતા લગભગ બમણું છે.
ઈરાન સંકટ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણ અને વૈશ્વિક ફુગાવાના જોખમે રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે, જેના કારણે ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોના ચલણ પર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
