Western Times News

Gujarati News

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે 90 મિનિટ સુધી શું વાતચીત થઈ?

અમેરિકા કે ઈઝરાયેલ મધ્‍ય પૂર્વમાં કોઈ પણ પ્રકારની સૈન્‍ય કાર્યવાહી કરશે, તો તેના પરિણામો અત્‍યંત ગંભીર અને નુકસાનકારક હોઈ શકે છે.

નવી દિલ્‍હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે ૯૦ મિનિટથી વધુ સમય સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે. આ ચર્ચામાં ૯ મે ના રોજ રશિયામાં ઉજવાનારા ‘વિજય દિવસ’ નિમિત્તે યુક્રેનમાં અસ્‍થાયી યુદ્ધવિરામ અને ઈરાન સાથેના પરમાણુ કરારને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. પુતિને અમેરિકા અને ઈઝરાયેલને મધ્‍ય પૂર્વમાં નવી સૈન્‍ય કાર્યવાહી સામે ચેતવણી આપી છે. આ ઉપરાંત, ટ્રમ્‍પે યુક્રેન સંકટના વહેલા ઉકેલની આશા વ્‍યક્‍ત કરી છે.

આ વાતચીતનો સૌથી મહત્‍વનો મુદ્દો ૯ મે ના રોજ રશિયામાં મનાવવામાં આવતા ‘વિજય દિવસ’ (Victory Day) નિમિત્તે યુક્રેનમાં અસ્‍થાયી યુદ્ધવિરામ સ્‍થાપિત કરવાનો હતો. નાઝી જર્મની પર વિજયની ૮૧ મી વર્ષગાંઠ નિમિત્તે રશિયા આ દિવસે મોટી પરેડનું આયોજન કરે છે.

પુતિને આ પર્વ નિમિત્તે યુદ્ધ અટકાવવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો હતો, જેને ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પણ સમર્થન આપ્‍યું હતું. આ ઉપરાંત, ઈરાન સાથેના પરમાણુ કાર્યક્રમ પર ફરીથી વાતચીત શરૂ કરવા માટે ટ્રમ્‍પ દ્વારા લેવામાં આવેલા યુદ્ધવિરામના નિર્ણયનું રશિયાએ સ્‍વાગત કર્યું છે. રશિયાએ આ વિવાદને કાયમી ધોરણે ઉકેલવા માટે કેટલાક નક્કર પ્રસ્‍તાવો પણ ટ્રમ્‍પ સમક્ષ રજૂ કર્યા છે.

અગાઉ સીએનએન (CNN) ને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ખુલાસો કર્યો હતો કે પુતિને ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડાર પર નિયંત્રણ મેળવવા માટે રશિયાની મદદની ઓફર કરી છે. જોકે, ટ્રમ્‍પે સ્‍પષ્ટ કર્યું હતું કે તેઓ આ બાબતે મદદ લેતા પહેલા યુક્રેનનું યુદ્ધ ખતમ કરાવવા માંગે છે.

ટ્રમ્‍પે પુતિન સાથેની આ વાતચીતને ‘ખૂબ જ સારી’ ગણાવી હતી અને આશા વ્‍યક્‍ત કરી હતી કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે. રશિયાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઈઝરાયેલ મધ્‍ય પૂર્વમાં કોઈ પણ પ્રકારની સૈન્‍ય કાર્યવાહી કરશે, તો તેના પરિણામો અત્‍યંત ગંભીર અને નુકસાનકારક હોઈ શકે છે.

ચાલુ વર્ષે રશિયાના વિજય દિવસની ઉજવણીમાં એક મોટો ફેરફાર જોવા મળશે. રશિયા આ વખતે ૯ મે ની પરેડમાં પોતાના સૈન્‍ય હથિયારો અને વાહનોનું પ્રદર્શન નહીં કરે. છેલ્‍લા બે દાયકામાં આ પ્રથમ વખત હશે જ્‍યારે મોસ્‍કોના રેડ સ્‍ક્‍વેર પર સૈન્‍ય કાફલો જોવા નહીં મળે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે આનું કારણ ‘વર્તમાન અભિયાનગત સ્‍થિતિ’ ગણાવ્‍યું છે. આ પરેડમાં માત્ર સૈન્‍ય શિક્ષણ સંસ્‍થાઓના કેડેટ્‍સ અને સશષ દળોના કેટલાક જવાનો જ ભાગ લેશે, જોકે પરંપરાગત સૈન્‍ય વિમાનોનું ફલાયપાસ્‍ટ યોજવામાં આવશે. ક્રેમલિનના પ્રવક્‍તા દિમિત્રી પેસ્‍કોવે જણાવ્‍યું હતું કે યુક્રેનની સંભવિત ‘આતંકી પ્રવૃત્તિઓ’ ને ધ્‍યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્‍ત બંદોબસ્‍ત કરવામાં આવ્‍યા છે.

નોંધનીય છે કે ગત વર્ષની વિજય દિવસની પરેડ અત્‍યાર સુધીની સૌથી મોટી હતી, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્‍વા સહિત અનેક વિશ્વ નેતાઓએ હાજરી આપી હતી. તે સમયે ૧૧૫૦૦ થી વધુ સૈનિકો અને ૧૮૦ થી વધુ સૈન્‍ય વાહનોએ ભાગ લીધો હતો.

પરંતુ આ વર્ષે યુદ્ધની સ્‍થિતિને જોતા રશિયાએ સૈન્‍ય પ્રદર્શન મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્‍પ અને પુતિન વચ્‍ચેની આ ૯૦ મિનિટની વાતચીત વૈશ્વિક સ્‍તરે શાંતિ સ્‍થાપવા માટે કેટલી અસરકારક સાબિત થાય છે, તેના પર હવે આખા વિશ્વની નજર ટકેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.