Western Times News

Gujarati News

મહેસાણા જિલ્લાનું બ્રાહ્મણવાડા ગામ સ્વાદિષ્ટ ડુંગળી માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ પ્રખ્યાત

(એજન્સી)ઊંઝા, મહેસાણા જિલ્લાનું ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ તેની લાલ, ચટાકેદાર અને સ્વાદિષ્ટ ડુંગળી માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ પ્રખ્યાત છે. જોકે, આ વર્ષે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. સ્વાદમાં મીઠી ગણાતી આ ડુંગળી અત્યારે ખેડૂતોની આંખમાં આંસુ લાવી રહી છે. પ્રતિકૂળ સંજોગોને કારણે આ વર્ષે ઉત્પાદનમાં મોટો કાપ મુકાયો છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

બ્રાહ્મણવાડાની જમીન અને પાણીની ખાસિયતને કારણે અહીંની ડુંગળીની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે. ગામના અંદાજે ૬૦ થી ૭૦ ટકા પરિવારો પેઢીઓથી ડુંગળીની ખેતી પર જ નિર્ભર છે. પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ સીધો ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોના મતે, આ વખતે પાક ધાર્યા મુજબ ઉતર્યો નથી, જે તેમના વર્ષભરના આયોજન પર પાણી ફેરવી રહ્યો છે.

એક બાજુ કુદરતે માર માર્યો છે, તો બીજી બાજુ બજારમાં મળતા ભાવે ખેડૂતોની કમર તોડી નાખી છે. ગત વર્ષે ડુંગળીના પ્રતિ ૨૦ કિલો (મણ) દીઠ રુ. ૫૦૦ સુધીનો ભાવ મળતો હતો, જે આ વર્ષે ઘટીને રૂ. ૪૦૦ ની આસપાસ પહોંચી ગયો છે. મોંઘા ખાતર, બિયારણ અને વધતી જતી મજૂરી સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે બજારમાં મોટા વેપારીઓ અને ગ્રાહકોની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે, જેના કારણે તૈયાર માલનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે.

બ્રાહ્મણવાડાની ડુંગળીની લોકપ્રિયતા એવી છે કે અમદાવાદ, સુરત, વાપી અને મુંબઈ જેવા દૂર-દૂરના શહેરોમાંથી ગ્રાહકો ખાસ અહીંના ખેતરે ડુંગળી ખરીદવા આવે છે. વર્ષો જૂના બંધાયેલા ગ્રાહકો હજુ પણ ખેતરેથી સીધી ખરીદી કરવાનું પસંદ કરે છે, પરંતુ આ છૂટક ગ્રાહકોથી ખેડૂતોનો મોટો જથ્થો વેચાતો નથી.

જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ ટેકાના ભાવ અથવા યોગ્ય માર્કેટ ચેનલની સુવિધા ઊભી કરવામાં નહીં આવે, તો સ્વાદના શોખીનો માટે મિષ્ટાન્ન ગણાતી આ લાલ ડુંગળીની ખેતી ભવિષ્યમાં જોખમમાં મુકાઈ શકે છે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.