Western Times News

Gujarati News

દિલ્હીમાં કડકડડૂમાં કોર્ટના ન્યાયાધીશે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં એક ન્યાયાધીશે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આત્મહત્યા કરનાર ન્યાયાધીશ અમન કુમાર શર્મા કડકડડૂમા કોર્ટમાં કાર્યરત હતા અને તેમનું નિવાસસ્થાન ગ્રીન પાર્કમાં હતું.

પત્ની સહિત પરિવારના અન્ય સભ્યો સાથે વિવાદને કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. આ મામલામાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે દિલ્હી ન્યાયિક સેવા (ડીજેએસ)ના એક અધિકારીએ કથિત રીતે આત્મહત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ અમન કુમાર શર્મા તરીકે થઈ છે અને પ્રથમ દૃષ્ટિએ આ ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો મામલો છે.

આ પહેલાં, ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને આત્મહત્યા માટે જવાબદાર સંજોગોની પણ તપાસ થઈ રહી છે.

સત્તાવાર રેકોર્ડ મુજબ, અમન શર્મા ૧૯ જૂન, ૨૦૨૧ ના રોજ દિલ્હી ન્યાયિક સેવામાં જોડાયા હતા. તેમણે ૨૦૧૮માં પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ લો સ્કૂલમાંથી બીએ-એલએલબી પૂર્ણ કર્યું હતું. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ફોજદારી અને સિવિલ એમ બંને પ્રકારના કેસો સંભાળ્યા હતા.

તેમણે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને સિવિલ જજ તરીકે વિવિધ અદાલતોમાં સેવા આપી હતી. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૫થી તેઓ કડકડડૂમા કોર્ટમાં ઉત્તર-પૂર્વ જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પૂર્ણકાલીન સચિવ તરીકે કાર્યરત હતા. આ ઘટનાથી ન્યાયિક જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.