Western Times News

Gujarati News

બિહારમાં વીજળી પડવાથી ૪ બાળકો સહિત ૧૨નાં મોત

(એજન્સી)પટના, બિહારમાં સોમવારે સાંજે અચાનક બદલાયેલા વાતાવરણે અનેક જીવ લઈ લીધા છે. અતિશય પવન, વરસાદ અને વીજળી પડવાના બનાવોમાં ૨ બાળકો સહિત ૧૨ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી કાર્યાલય મુજબ, પૂર્વી ચંપારણમાં ૫, ગયામાં ૪ અને ઔરંગાબાદમાં ૩ લોકોના મોત થયા છે. લગભગ ૬ વર્ષ પહેલા સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ‘ઇન્દ્રવજ્ર’ એપ લોન્ચ કરી હતી,

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વીજળી પડતા ૪૦થી ૪૫ મિનિટ પહેલા એલર્ટ મળશે, પણ સવાલ એ છે કે જ્યારે દર વર્ષે વીજળી પડવાથી સૈંકડો લોકોના મોત થાય છે, ત્યારે આ એપનો વાસ્તવિક ઉપયોગ શું છે?

પૂર્વી ચંપારણના રામગઢવા બ્લોકના સીસવનિયા ગામમાં વીજળી પડવાથી મોટો અકસ્માત થયો હતો. અહીં એક તાડના ઝાડ પર વીજળી પડતાં આગ લાગી ગઈ હતી, જે પવનના કારણે આસપાસના ઘરોમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં નાની સરસ્વતી કુમારી (ઉં.વ.૨)નું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ૧૪ વર્ષીય મનોજ મહતો ગંભીર રીતે ઘાયલ થયો છે. આગમાં ચંદન મહતો, શિવબાલક મહતો, નરેશ મહતો સહિત અનેક પરિવારોના ઘરો બળી ગયા છે

આ ઘટનાઓ વચ્ચે સરકાર દ્વારા લોન્ચ કરાયેલા ‘ઇન્દ્રવજ્ર’ એપના ઉપયોગ પર પણ સવાલો ઊઠી રહ્યા છે. લગભગ ૬ વર્ષ પહેલા લોન્ચ થયેલી આ એપ દાવો કરે છે કે, વીજળી પડતા ૪૦-૪૫ મિનિટ પહેલા ચેતવણી આપે છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં તેની જાણકારી અને ઉપયોગ અંગે ગંભીર સંશય છે. ગામડાઓમાં લોકો પાસે આ એપ વિશે પૂરતી માહિતી નથી અને તેઓ તેનો ઉપયોગ પણ કરી શકતા નથી. ત્યારે સવાલ એ છે કે, ટેકનોલોજી હોવા છતાં, સમયસર ચેતવણી લોકો સુધી કેમ નથી પહોંચી રહી?

ઔરંગાબાદમાં વીજળી પડવાથી ૨ બાળકોના મોત થયા હતા, જ્યારે ૩ બાળકો બચી ગયા હતા. ઘટના મદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘટરાઇન ગામની છે. બંને બાળકોની ઉંમર ૮થી ૧૦ વર્ષ વચ્ચે હતી. ઘટનાના સમયે બધા બાળકો કેરી તોડી રહ્યા હતા. એ સમયે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ત્રણ બાળકો ભાગી ગયા, પણ સંતોષ અને સુરજ કેરી તોડવાની લાલચમાં રહી ગયા હતા.

એ જ સમયે વીજળી પડી અને બંને બેભાન થઈ ગયા હતા. સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ભારે વરસાદ અને વીજળી પડવાથી થયેલા મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.