Western Times News

Gujarati News

ગુજરાતને બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી

પ્રતિકાત્મક

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય લેવાયા

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં રૂપિયા ૩,૯૦૦ કરોડથી વધુના કુલ રોકાણ સાથે વધુ બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે.

વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પ્રોજેક્ટ્‌સ દ્વારા ભારત હવે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર-આધારિત ‘મિની/માઈક્રો એલઈડી ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે ડગ માંડશે. આ નવી સુવિધાઓથી રાજ્યમાં અંદાજે ૨,૨૩૦ કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઉભી થશે.

ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૨ પ્રોજેક્ટ્‌સ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં કુલ રોકાણનો આંકડો રૂપિયા ૧.૬૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ નિર્ણય ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર મજબૂત સ્થાન અપાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

આ ઉપરાંત ગુજરાતના વાડીનાર ખાતે એક અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે,

જેમાં અંદાજે રૂપિયા ૧,૫૭૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સુવિધા કાર્યરત થવાથી હવે ભારતમાં જ મોટા જહાજોનું ઉચ્ચ મૂલ્ય ધરાવતું સમારકામ શક્્ય બનશે, જેના પરિણામે વિદેશી શિપયાર્ડ પરની નિર્ભરતા ઘટશે અને દેશના કિંમતી વિદેશી હૂંડિયામણને બચાવવામાં મોટી મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.