Western Times News

Gujarati News

25% વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા

૨૦થી ૨૫ ટકા લોકોને પાંચથી સાત વર્ષમાં નાછૂટકે ત્યાંથી પરત ફરવાનો વારો આવે છે.

નવી દિલ્હી, વિદેશ જવું હવે માત્ર મહત્વાકાંક્ષા નહીં, પરંતુ સ્ટેટસ સીમ્બોલ બની ગયો છે. પશ્ચિમી દેશોની ઝાકમઝોળથી અંજાઈને ગુજરાતમાંથી દર વર્ષે આશરે એક લાખ લોકો યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં અભ્યાસ તેમજ રોજગાર માટે જઈ રહ્યા છે.

પરંતુ આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના સજાવી વિદેશ ગયેલા દર ચારમાંથી એક વ્યક્તિને પાંચથી સાત વર્ષમાં જ ભીની આંખે પરાણે ત્યાંથી પાછા ફરવું પડે છે. દેશમાં પરત ફર્યા બાદ નિષ્ફળતાના સામાજિક ભારણ અને આર્થિક અસ્થિરતા વચ્ચે એકડેએકથી શરૂઆત કરવી પડે છે.

એકાદ દાયકાથી વિદેશ જવું જાણે ટ્રેન્ડ બની ગયો છે. અગાઉ વિદેશ જનારા કુલ છાત્રોમાંથી ૮૦ ટકા અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે જતા હતા. જેનો બે વર્ષનો ખર્ચ ૨૦થી ૩૦ રૂપિયા લાખ થતો હતો. જ્યારે માત્ર ૨૦ ટકા સ્નાતક થવા માટે જતા હતા.

જોકે હવે નાની ઉંમરે વિદેશ જવાનો અભરખો જાગતા એક કરોડ રૂપિયા સુધીની મોટી રકમ ખર્ચીને ચાર વર્ષની બેચલર્સ ડિગ્રી માટે વિદેશ જનારાની સંખ્યા વધીને ૪૦ ટકા થઈ ગઈ છે.

રાજ્યમાંથી આશરે એક લાખ લોકો પશ્ચિમી દેશો તરફ દોટ મૂકે છે. વિઝા કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ તેમાંથી ૨૦થી ૨૫ ટકા લોકોને પાંચથી સાત વર્ષમાં નાછૂટકે ત્યાંથી પરત ફરવાનો વારો આવે છે. અભ્યાસ બાદ મોટાભાગે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળતી હોવાથી પાંચ વર્ષ સુધી વાંધો આવતો નથી. પરંતુ બાદમાં સારી નોકરી ન મળતા તેમની વર્ક પરમિટ લંબાવાતી નથી.

મધ્યમ વર્ગીય માતા-પિતા તેમની મરણમૂડી ખર્ચી અથવા લોન લઈને સંતાનોને વિદેશ મોકલતા હોય છે. ત્યારે પાંચથી દસ ટકા કિસ્સામાં છાત્રોને અધવચ્ચેથી પાછા ફરવાની નોબત આવતા પરિવાર પર ઉલટાનું આર્થિક ભારણ વધી જાય છે.

તેમજ નવેસરથી દેશમાં નોકરી-ધંધા શોધવા પડે છે. વિદેશ જવાના લોકોના ક્રેઝનો ગેરલાભ ઉઠાવતા એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેઓ વિદ્યાર્થીઓને વિદેશની ઝાકમઝોળ, તોતિંગ કમાણી, ઉચ્ચ જીવનશૈલી વગેરેના ખોટા સ્વપ્ન દેખાડી ગેરમાર્ગે દોરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.