Western Times News

Gujarati News

કચ્છઃ શંકાસ્પદ વિસ્ફોટક શેલ મળતાં ખળભળાટ, વાયુસેના દ્વારા તપાસનો ધમધમાટ

પ્રતિકાત્મક

ભુજ, સરહદી જિલ્લા કચ્છના કોઠારા નજીક આવેલા છછી ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી એક શંકાસ્પદ વિસ્ફોટક શેલ (ગોળો) મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. લાઈટ હાઉસ નજીકથી મળેલા આ શેલને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ભારતીય વાયુસેના દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગુજરાતની ટીમ દ્વારા દરિયાકાંઠાના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સંયુક્ત રીતે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન છછી લાઈટ હાઉસ નજીકના વિસ્તારમાં જમીન પર એક શંકાસ્પદ વિસ્ફોટક શેલ પડેલો નજરે પડ્‌યો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને સુરક્ષા જવાનોએ તાત્કાલિક ધોરણે આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી (સીલ કરી) દીધો હતો.

કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વિસ્તારને ખાલી કરાવીને લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમને ત્વરિત જાણ કરવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં આ શેલ જૂનો અને ફૂટી ગયેલો (ડિફ્યુઝ્ડ) હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કોઈ પણ પ્રકારનું જોખમ લીધા વિના તેને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા અત્યંત સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે.

આ શેલ કયા પ્રકારનો છે, તે કેટલા સમયથી અહીં પડ્‌યો હતો અને આ સ્થળે કેવી રીતે પહોંચ્યો? (દરિયાઈ માર્ગે તણાઈને આવ્યો છે કે અન્ય કોઈ રીતે) તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે.

આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં હવે ભારતીય વાયુસેના દ્વારા આ શેલની ટેકનિકલ ચકાસણી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ તમામ શક્ય દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તેની આસપાસના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકિંગ અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સંપૂર્ણ સતર્કતા વર્તવામાં આવી રહી છે.

આ ઉપરાંત, તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ પણ અજાણી કે શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેની સાથે છેડછાડ કરવી નહીં અને તે અંગે તાત્કાલિક નજીકના પોલીસ મથકને અથવા સુરક્ષા કર્મીઓને જાણ કરવી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.