Western Times News

Gujarati News

હાઈવે પર ટોલ પ્લાઝાની માથાકૂટનો આવશે અંત, 80 ની સ્પીડે દોડતી ગાડીમાંથી કપાશે ટેક્સ

પ્રતિકાત્મક

રાજસ્થાનમાં ૧૫૬, ઉત્તર પ્રદેશમાં ૯૭, મધ્યપ્રદેશમાં ૯૦ અને મહારાષ્ટ્રમાં ૮૯ ટોલ પ્લાઝા કાર્યરત

ચાલુ નાણાકીય વર્ષમાં NHAI અંદાજે ૨૫ જેટલા મુખ્ય નેશનલ હાઈવે પર આ મલ્ટી-લેન ફ્રી ફ્‌લો સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહી છે.

નવી દિલ્હી, દેશભરના નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે રાહતના સમાચાર છે. ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી કતારો અને બેરિયર સિસ્ટમમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળશે. કેન્દ્ર સરકાર હવે મલ્ટી-લેન ફ્રી-ફ્‌લો (એમએલએફએફ) ટોલ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે,

જેમાં વાહનોને થોભ્યા વગર જ ટોલ ટેક્સ ચૂકવવાની સુવિધા મળશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ આધુનિક વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દેશમાં આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાની શરૂઆત ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝાથી કરવામાં આવી રહી છે. આ ટોલ પ્લાઝાને દેશનો પ્રથમ ‘બાધા-રહિત’ (બેરિયર-ફ્રી) ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, હરિયાણાના ઘરૌંડા ટોલ પ્લાઝા પર પણ ICICI સાથે મળીને આ સિસ્ટમ લાગુ કરવા કરાર કરવામાં આવ્યા છે. આ નવી પ્રણાલી સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ટેકનોલોજી પર આધારિત હશે. હાઈવે પર લેનની ઉપર ગેન્ટ્રી સિસ્ટમ લગાવવામાં આવશે,

જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા હશે. આ કેમેરા વાહનની નંબર પ્લેટ અને ફાસ્ટેગને હાઈ સ્પીડ પર સ્કેન કરી લેશે. ૮૦ કિમી/કલાકની ઝડપે દોડતા વાહનોનો ટેક્સ પણ સેકન્ડોમાં જ ખાતામાંથી કપાઈ જશે. વાહનને ટોલ પર ઉભું રાખવાની કે ગતિ ધીમી કરવાની જરૂર નહીં પડે.

સરકારનો દાવો છે કે વર્ષ ૨૦૨૬ સુધીમાં આ સિસ્ટમ મોટાભાગના હાઈવે પર કાર્યરત થઈ જશે. તેનાથી ટોલ પર કતારો નહીં હોવાથી સમય અને પેટ્રોલ-ડીઝલનો બચાવ થશે. હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હલ થશે અને ટોલ વસૂલાત વધુ સચોટ બનશે. જીએનએસએસ અને એઆઈ આધારિત આ સિસ્ટમ ભારતીય હાઈવે મુસાફરીને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવશે.

વર્તમાનમાં NHAI દ્વારા દેશમાં ૧,૦૮૭ થી વધુ ટોલ પ્લાઝાનું સંચાલન કરવામાં આવે છે, જે ૧.૫ લાખ કિલોમીટરના નેટવર્કને કવર કરે છે. રાજ્યવાર જોઈએ તો રાજસ્થાનમાં ૧૫૬, ઉત્તર પ્રદેશમાં ૯૭, મધ્યપ્રદેશમાં ૯૦ અને મહારાષ્ટ્રમાં ૮૯ ટોલ પ્લાઝા કાર્યરત છે. ચાલુ નાણાકીય વર્ષમાં NHAI અંદાજે ૨૫ જેટલા મુખ્ય નેશનલ હાઈવે પર આ મલ્ટી-લેન ફ્રી ફ્‌લો સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.