UAEની 9 ઓઈલ કંપનીઓ અમેરિકાની જાણ બહાર તેલ ચીનને વેચવામાં મદદ કરતી હતી
ઈરાનનું તેલ ચોરી-છૂપીથી વેચતી 12 કંપનીઓ પર અમેરિકાએ લાદ્યા કડક પ્રતિબંધો!
ન્યૂયોર્ક, અમેરિકાએ ચીનને મોટો ઝટકો આપતા સોમવારે ૧૨ વ્યક્તિઓ અને સંસ્થાઓ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાનો આરોપ છે કે આ કંપનીઓ ઈરાની તેલ ચીનને વેચવામાં અને તેની શિપમેન્ટમાં મદદ કરી રહી હતી.
નોંધનીય છે કે આ પગલું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાતના ગણતરીના દિવસો પહેલા લેવામાં આવ્યું છે.અમેરિકી ટ્રેઝરી વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાનની ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ આર્થિક નિયમોમાં છૂટછાટ ધરાવતા દેશોમાં ‘ફ્રન્ટ કંપનીઓ’ ઉભી કરે છે.
આ કંપનીઓ દ્વારા ઈરાન પોતાના તેલના વેપારને છુપાવે છે અને તેમાંથી થતી કમાણી ઈરાની શાસન સુધી પહોંચાડે છે. આ મામલામાં ઈરાનના ૩ લોકો અને હોંગકોંગ તથા યુનાઈટેડ આરબ અમીરાત સ્થિત ૯ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા મુજબ, ‘ઈકોનોમિક ફ્યુરી’ અભિયાન દ્વારા ઈરાનને તેના શસ્ત્ર કાર્યક્રમો, આતંકી નેટવર્ક્સ અને પરમાણુ મહત્વાકાંક્ષાઓ માટે ફંડ મેળવતા રોકવામાં આવશે.
પ્રતિબંધ હેઠળ આવેલી આ સંસ્થાઓની અમેરિકામાં રહેલી તમામ સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવશે અને કોઈપણ અમેરિકન નાગરિક કે કંપની તેમની સાથે લેવડ-દેવડ કરી શકશે નહીં.ચીન હાલમાં ઈરાનના તેલનો સૌથી મોટો આયાતકાર અને બિઝનેસ પાર્ટનર છે.
