Western Times News

Gujarati News

કેબિનેટમાં બળવો છતાં બ્રિટનના PM સ્ટાર્મર પદ નહીં છોડવા મક્કમ

કેટલાક મંત્રીઓએ નેતૃત્વ પરિવર્તન માટે સમયપત્રક જાહેર કરવાની માંગ કરી

હાઉસિંગ વિભાગના જુનિયર મંત્રી મિયાતા ફહાનબુલ્લેહે રાજીનામું આપી દેતાં સ્ટાર્મર વધુ ભીંસમાં આવ્યા છતાં છેલ્લે સુધી લડી લેવાની સંપૂર્ણ તૈયારી

નવી દિલ્હી, બ્રિટનના વડાપ્રધાન કીઅર સ્ટાર્મર મંગળવારે પોતાના વડાપ્રધાનના પદ માટે મક્કમપણે લડતા દેખાયા. તેમની પાર્ટીમાં ઉઠેલા બળવાના સ્વર વચ્ચે કેટલાક મંત્રીઓએ નેતૃત્વ પરિવર્તન માટે સમયપત્રક જાહેર કરવાની માંગ કરી છે. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક દરમિયાન સ્ટાર્મરે સ્પષ્ટ કહ્યું કે તેઓ “શાસન ચલાવવાનું ચાલુ રાખશે”. સ્થાનિક ચૂંટણીમાં લેબર પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ તેમની સામે દબાણ વધી રહ્યું છે.આ દરમિયાન હાઉસિંગ વિભાગના જુનિયર મંત્રી મિયાતા ફહાનબુલ્લેહે રાજીનામું આપતાં દબાણ વધુ વધ્યું.

છતાં સ્ટાર્મરનો દાવો હતો કે, લેબર નેતાને પડકારવા માટે જરૂરી ૨૦ ટકા સાંસદોનો આંકડો હજુ સુધી પૂર્ણ થયો નથી. સ્ટાર્મરે કેબિનેટને કહ્યું, “ગઈકાલે પણ મેં કહ્યું હતું કે ચૂંટણીના પરિણામોની જવાબદારી હું સ્વીકારું છું અને અમે જે બદલાવનું વચન આપ્યું હતું તે પૂરુ કરવાની જવાબદારી પણ મારી છે.” તેમણે વધુમાં જણાવ્યું, “છેલ્લા ૪૮ કલાક સરકાર માટે અસ્થિરતા ભર્યા રહ્યા છે અને તેનો દેશની અર્થવ્યવસ્થા તથા પરિવારો પર ખરાબ પ્રભાવ પડે છે. લેબર પાર્ટીમાં નેતાને પડકારવાની પ્રક્રિયા છે, પરંતુ તે શરૂ થઈ નથી.”

“દેશને અપેક્ષા છે કે અમે શાસન પર ધ્યાન આપીએ અને હું એ જ કરી રહ્યો છું. કેબિનેટ તરીકે અમારે પણ એ જ કરવું જોઈએ,” એમ તેમણે કહ્યું.સ્ટાર્મરના આ નિવેદનને કેટલાક લેબર સાંસદો માટે પડકારરૂપ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ સ્ટાર્મરને રાજીનામા માટે સમયમર્યાદા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. પોતાના રાજીનામા પત્રમાં ફહાનબુલ્લેહે લખ્યું, “દેશ સામે મોટા પડકારો છે અને લોકોને મોટા સ્તરના પરિવર્તનની જરૂર છે. જનતા માને તેમ નથી કે તમે આ બદલાવ લાવી શકો અને હું પણ એવું માનતી નથી.”તેમણે વધુમાં કહ્યું, “દેશ અને પાર્ટીના હિતમાં યોગ્ય નિર્ણય લો અને વ્યવસ્થિત સત્તાંતરણ માટે સમયપત્રક જાહેર કરો, જેથી નવી ટીમ દેશને આપેલા વચનો પૂર્ણ કરી શકે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.