ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે ભારતની ચિંતા વધારી
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે?
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. હોર્મુઝ કટોકટી વચ્ચે લેવાયેલા આ મોટા નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં હડકંપ મચી ગયો છે.
જેના કારણે આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ ફરી વધવાની પૂરેપૂરી શક્્યતા છે. ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.
હકીકતમાં, પશ્ચિમ એશિયાના સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત પોતાની ઇંધણની જરૂરિયાત પૂરી કરવા રશિયા પાસેથી સસ્તા ભાવે મોટા પાયે તેલ ખરીદી રહ્યું હતું. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલ પરનું ડિસ્કાઉન્ટ સત્તાવાર રીતે ખતમ કરી દીધું છે. ભારત માટે આ એક બહુ મોટો ફટકો સાબિત થઈ શકે છે કારણ કે હવે સસ્તા તેલની જીવનરેખા કપાઈ ગઈ છે.
રશિયા દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઇલ નિકાસકારોમાંનું એક છે. અમેરિકાના આ પગલાથી ગ્લોબલ માર્કેટમાં તેલના સપ્લાય પર સીધી અસર પડશે.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપે રશિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા હતા.પરંતુ માર્ચ ૨૦૨૬ માં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધીના કારણે દુનિયાભરમાં તેલની ભારે અછત સર્જાઈ હતી.
આ સંકટને પહોંચી વળવા ટ્રમ્પ પ્રશાસને માર્ચ ૨૦૨૬ માં ખાસ છૂટ આપી હતી, જેને પછીથી ૧૬ મે સુધી લંબાવવામાં આવી હતી.
