Western Times News

Gujarati News

ભારતે સિંધુ જળ સંધિ પર આંતર રાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો

(એજન્સી)નવી દિલ્હી, ભારતે સિંધુ જળ સંધિને લઈને હેગ સ્થિત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનના તાજેતરના નિર્ણયને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું કોઈ કાનૂની અÂસ્તત્વ નથી.

તેથી તેના કોઈપણ નિર્ણય, આદેશ કે કાર્યવાહીને ભારત માન્યતા આપતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયાના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે રચાયેલી કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશને ૧૫ મે ૨૦૨૬ ના રોજ સિંધુ જળ સંધિ હેઠળ મહત્તમ જળ સંગ્રહ ક્ષમતાને લગતા મામલામાં એક કથિત નિર્ણય જાહેર કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત આ કથિત નિર્ણયને સંપૂર્ણપણે નકારે છે, જેમ અગાઉ આપવામાં આવેલા તમામ નિર્ણયોને ફગાવી દેવામાં આવ્યા હતા. ભારતે ક્્યારેય આ અદાલતની રચનાને માન્યતા આપી નથી.

આવી સ્થિતિમાં આ અદાલતની કોઈપણ કાર્યવાહી, નિર્ણય કે આદેશનું કોઈ કાનૂની મહત્વ નથી અને તે સંપૂર્ણપણે ‘નલ એન્ડ વોઈડ’ એટલે કે શૂન્ય અને અમાન્ય છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો ભારતનો નિર્ણય હજુ પણ અમલમાં છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ ના રોજ સિંધુ નદી પ્રણાલીના જળ ઉપયોગને લઈને આ સંધિ થઈ હતી. ભારતે ગયા વર્ષે પહલગામ આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના સાર્વભૌમ અધિકારોનો ઉપયોગ કરીને આ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદને વિશ્વસનીય અને સ્થાયી રૂપે સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.

વિદેશ મંત્રાલયે જૂન ૨૦૨૫ માં પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી સંધિ સ્થગિત છે, ત્યાં સુધી ભારત આ કરાર હેઠળના કોઈપણ દાયિત્વને નિભાવવા માટે બંધાયેલું નથી. ભારતે કહ્યું કે કોઈ પણ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, ખાસ કરીને આવી ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા, ભારતના સાર્વભૌમ અધિકારો હેઠળ લેવાયેલા પગલાંની કાયદેસરતા પર સવાલ ઉઠાવી શકે નહીં.

ગયા વર્ષે પણ વિદેશ મંત્રાલયે કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનની ટીકા કરી હતી, જ્યારે તેણે જમ્મુ-કાશ્મીરમાં કિશનગંગા અને રતલે જલવિદ્યુત પરિયોજનાઓને લઈને પોતાના અધિકાર ક્ષેત્ર પર “સપ્લીમેન્ટલ એવોર્ડ” જાહેર કર્યો હતો. ભારતે તે સમયે પણ કહ્યું હતું કે તેણે ક્્યારેય આ કથિત અદાલતના કાનૂની અÂસ્તત્વને સ્વીકાર્યું નથી. ભારત મુજબ, આ મધ્યસ્થતા સંસ્થાની રચના જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે અને તેના હેઠળ કરવામાં આવેલી તમામ કાર્યવાહીઓ અને નિર્ણયો ગેરકાયદેસર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.