Western Times News

Gujarati News

બોલો લ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના કાર્યાલયના પ્લાસ્ટરનુ પોપડુ ખરી પડ્‌યું!

ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના થયા પછી શરૂઆતમાં મહાનગરપાલિકા સરકારના બહુમાળી ભવનમાં બેસતી હતી ત્યારબાદ મહાનગરપાલિકાનું નવું આલિશાન ભવન કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ‘ચ’ રોડ પર બનાવવામાં આવ્યું.

જે બન્યાને હજુ માંડ ૫ વર્ષ થયા છે તેમ છતાં આ નવા નક્કોર, આલિશાન અને ભવ્ય બિલ્ડીગની છતમાં કરવામાં આવેલ પ્લાસ્ટરમાંથી એક પોપડુ ખરી પડ્‌યું છે.ગુજરાતીમા એક કહેવત છે કે ‘પાપ છાપરે ચડીને પોકારે છે’ એ યાદ કરીને અમારા એક સિનિયર પત્રકાર મિત્રએ એ એવી નૂકતેચીની કરી કે મહાનગરપાલિકા ભવનના બાંધકામમાં થયેલ ભષ્ટ્રાચારે છત પરથી પોકારીને ગોલમાલ છતી કરી છે!

ગુજરાતના અધિક મુખ્ય સચિવ ચન્દ્ર વેણુ સોમનુ એક વધું પરાક્રમ?

અત્યંત તોછડા અને વિવેકહીન વર્તન માટે જાણીતા બનેલા અને ખૂબ વિચિત્ર સ્વભાવ ધરાવતા સોમ ઝારખંડના વતની છે.

જરાય સાચું માનવાનું મન ન થાય એવાં સમાચાર, જરૂરી પુરાવા સાથેના વિડિયો સાથે પાટનગરમાં એવાં ફરતાં થયા છે કે ૧૯૯૦ની બેચના આઈ.એ.એસ.અધિકારી અને અધિક મુખ્ય સચિવ સી.વી.સોમે તેમના સેક્ટર -૧મા આવેલા અયપ્પા મંદિર પાસે નવા તૈયાર થઈ રહેલા બંગલામાં કામ કરી રહેલા મજુરોએ તેમની પસંદગી અનુસારનું કામ નહીં કરતા બંગલામાં પુરી દીધા હતા.

અગાઉ તેમને ત્યાં ઘરકામ કરતા એક બહેન અને ભાઈને પણ સોમે ખૂબ હેરાન કર્યા હોવાનું કહેવાય છે. અત્યંત તોછડા અને વિવેકહીન વર્તન માટે જાણીતા બનેલા અને ખૂબ વિચિત્ર સ્વભાવ ધરાવતા સોમ ઝારખંડના વતની છે.

આઈ.એ. એસ.અધિકારીની યાદીમાં દર્શાવાયેલ સિનિયોરીટમાં ભવિષ્યમાં ચીફ સેક્રેટરી બની શકે એટલો અગ્રતા ક્રમ ધરાવતા સોમ ગુજરાત સરકાર માટે શિરદર્દ બની ગયેલા અધિકારી છે અને એટલે એમને (એમનાં હોદ્દાને ન છાજે એવું) સાઇડ પોસ્ટીગ આપીને વહીવટમાં સંતાડી રાખવા પડે છે.

સમગ્ર ગુજરાત સરકાર તેમની પાસે લાચાર છે.કોઈ તેમને કશું કહી શકે તેમ નથી કે કરી શકે તેમ નથી.કારણ કે સોમને કોઈની શરમ નડતી નથી! તુલસીદાસજીએ એટલે તો ગાયુ છે કે, ‘સમરથ કો નહી દોષ ગુંસાઈ.’

અવંતિકા સિંઘ ઔલખની માનવતા, લાગણીશીલતા અને સંવેદનશીલતાને સલામ!

ગુજરાતની ૨૦૦૩ની બેચના આઈ.એ.એસ.અધિકારી અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકાસિંઘને સિંઘ ઔલખ તાજેતરમાં આણંદની મુલાકાતે ગયા ત્યારે તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા કે તરત જ ત્યાંના માહિતી ખાતાના પૂર્વ નાયબ નિયામક બાબુ દેસાઈ તેમની પત્ની, પુત્રી, પુત્ર સાથે તેમને મળવા પહોંચી ગયા. દેસાઈની દીકરીએ અવંતિકા સિંઘને પુષ્પગુચ્છ આપ્યું અને દેસાઈની પત્નીએ સજળ નેત્રે અવંતિકા સિંઘને શાલ ઓઢાડી!

આવું કેમ થયું? આ ઘટનાની પૃષ્ઠભૂમિમા સિનિયર સનદી અધિકારી અવંતિકા સિંઘ ઔલખની સક્રિય માનવતા, જીવંત સંવેદનશીલતા અને ક્રિયાશીલ લાગણી શીલતાની કથા છે.

બન્યુ એવું હતું કે અવંતિકા સિંઘ ઔલખ મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં અગ્ર સચિવ હતા ત્યારે તેમની પાસે માહિતી ખાતાનો હવાલો પણ હતો. એ વખતે તેઓને સમાચાર મળ્યા કે આણંદનાં તત્કાલીન નાયબ માહિતી નિયામક બાબુ દેસાઈ પર બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો છે.

તે વખતે આણંદની હોસ્પિટલે હાથ ઉંચા કરી દીધા હતા, આથી અવંતિકાએ સુચના આપી કે દેસાઈને તાત્કાલિક અમદાવાદ ખસેડો, દેસાઈને અમદાવાદની મલ્ટી સ્પેશ્યિલ હોસ્પિટલમાં દાખલ કરાયા તો એ હોસ્પિટલે પણ લાચારી દર્શાવી.

આથી અવંતિકા સિંઘે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલનો સંપર્ક કર્યો અને બાબુ દેસાઈને ત્યાં ખસેડ્‌યા અને અવંતિકાએ મહેતા હોસ્પિટલને સૂચવ્યું કે તમારાથી બનતું બધું જ કરી છુટો અને મારા આ અધિકારી દેસાઈને બચાવો.

IAS અવંતિકા સિંઘની નિષ્ઠા અને મહેનત રંગ લાવી અને લાંબી તથા સઘન સારવાર બાદ બાબુ દેસાઈ સાજા થયા, દેસાઈની ઈચ્છા સાજા થઈને અવંતિકા સિંઘનો આભાર માનવા જવાની હતી પણ અવંતિકાએ એવી તકલીફ લેવાની ના પાડી!

તેથી બાબુ દેસાઈએ સાજા થયા બાદ લાંબા સમયે તથા નિવૃત થયા બાદ તેમના કુટુંબીજનો સાથે આણંદ આવેલા અવંતિકા સિંઘ ઔલખનો આભાર માનવા પહોંચી ગયા હતા.બાબુ દેસાઈના ધર્મપત્નીએ કહ્યું કે અમે ઈશ્વરને જોયા તો નથી પણ તેના સીધી લીટીના પ્રતિનિધિ કેવા હોય એનાં દર્શન અવંતિકા સિંઘ ઔલખમાં અમને થયા છે.

પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ ક. લહેરીની ૮૨ વર્ષની વયે પણ લાગણીભરી ભરપૂર સંવેદનશીલતાને વંદન

ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ અને સફળ વહીવટકર્તા ગણાયેલા અને આજે ૮૨ વર્ષની વયે પણ અનેક ટ્રસ્ટોનુ સુચારુ સંચાલન કરતા પ્રવીણ ક.લહેરી વહીવટમાં હતા

ત્યારે તેમનાં તીવ્ર માનવીય અભિગમ માટે જાણીતા હતા. તેઓએ તાજેતરમાં અમદાવાદના એક હોનહાર, યુવા કવિ, સર્જક ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ને વિનાશ તથા પતનની ઉંડી ખાઇમાં જતો બચાવીને એક નવા જીવનની ભેટ આપી છે.

આ અંગેની પૃષ્ઠભૂમિ એવી છે કે,આ ચંન્દ્રેશે લહેરી સાહેબને ફોન કર્યો કે પૈસાનાં અભાવે મારા ઘરની વિજળીનું બીલ નથી ભરાયું એટલે મારા ઘરનું લાઈટ કનેક્શન કપાઈ જવાનું છે! લહેરીસાહેબે રાબેતા મુજબની સ્વસ્થતાથી કહ્યું કે તમારાં બેન્ક એકાઉન્ટસની વિગતો મોકલો.

એ થયું અને બીલ ભરાઈ ગયું. પછી પ્ર.ક.લહેરીએ ચન્દ્રેશને મળવા બોલાવ્યો,એની દારુની લત છોડાવવાની સારવાર કરાવી.

ખૂબ દારૂ પીવાથી શરીરને થયેલા નુકસાનમાથી મુક્ત થવા વૈદકિય ઈલાજ કરાવ્યાં,એ ઉપરાંત ચન્દ્રેશની પત્ની ભણેલી હોવાથી એને નોકરી પણ અપાવી એ રીતે એ દંપતી અને તેનાં એક સંતાનને (એટલે કે એક કવિ, સર્જકના કુટુંબને) પ્રવીણ લહેરીએ પર દુઃખ ભંજક બનીને સંતાપમાંથી મુક્ત કર્યું.

નિવૃત ન્યાયમૂર્તિ બિરેન વૈશ્નવની ગુજરાતના લોકાયુક્ત તરીકે નિયુક્તિ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા.

તા.૨૨મી મે,૧૯૬૩ના દિવસે નવી દિલ્હીમાં જન્મેલા વૈશ્નવ તા.૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૬ના રોજ ગુજરાત હાઇકોર્ટેના એડીશનલ જજ તરીકે નિમાયા હતા.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા અધિનિયમમાં જણાવાયું છે કે લોકાયુક્ત પદે નિયુક્ત થયેલા નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈશ્નવની નિમણૂકનો કાર્યકાળ તેઓ પદભાર સંભાળે તે દિવસથી પાંચ વર્ષ માટેનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.