ઈરાન બાદ હવે અમેરિકા આ દેશ પર પણ કરી શકે છે હુમલો?
પ્રતિકાત્મક
દેશભરમાં દરરોજ કલાકો સુધી પાવર કટ રહે છે.- આ દેશમાં બ્લેક માર્કેટમાં પેટ્રોલની કિંમત ૩૫ ડોલર (અંદાજીત 3000 રૂ.) પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ છે.
(એજન્સી)ક્યુબા, અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના વડા જોન રેટક્લિફની ક્યુબાની રાજધાની હવાનાની અચાનક મુલાકાત બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા ગમે ત્યારે લશ્કરી હુમલો કરી શકે તેવી આશંકા વચ્ચે ક્યુબા સરકારે દેશભરમાં યુદ્ધ સ્તરની તૈયારીઓ તેજ કરી દીધી છે.
સંભવિત અમેરિકી હુમલાને જોતા હવાનાની સરકારી ઇમારતોને એલર્ટ પર રહેવા અને લોકોને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. અમેરિકા સામે લડવા માટે ક્યુબાના સરકારી મીડિયામાં સામાન્ય નાગરિકોને લશ્કરી તાલીમ લેતા દર્શાવવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફિદેલ કાસ્ટ્રોની સમગ્ર જનતાની લડાઈ રણનીતિ હેઠળ સામાન્ય લોકોને પણ ગુરિલ્લા યુદ્ધ શીખવવામાં આવી રહ્યું છે. ક્યુબાની સેના પાસે આધુનિક હથિયારોની ભારે અછત છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સૈનિકો જૂના સોવિયત યુગના હથિયારો સાથે સૈન્ય અભ્યાસ કરતા અને એન્ટી-એરક્રાફ્ટ ગનને બળદો વડે ખેંચતા જોવા મળ્યા છે. લશ્કરી ઇતિહાસકારોના મતે, આધુનિક હથિયારો વિના પણ ક્યુબાની સેના અમેરિકી હુમલા સામે લાંબો સમય ટકી રહેવાની અને નાગરિકોને સંગઠિત કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.
અમેરિકાએ વેનેઝુએલાથી ક્યુબા આવતી તેલની સપ્લાય પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, અમેરિકી કોસ્ટ ગાર્ડે તાજેતરમાં કોલંબિયાથી ક્યુબા જઈ રહેલા એક ઓઈલ ટેન્કરને પણ રસ્તામાં રોકી લીધું હતું. જેના કારણે ક્યુબામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
ક્યુબાના બ્લેક માર્કેટમાં પેટ્રોલની કિંમત ૩૫ ડોલર પ્રતિ ગેલોન સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં દરરોજ કલાકો સુધી પાવર કટ રહે છે. હોસ્પિટલોમાં જરૂરી દવાઓની અછતને કારણે ઓપરેશનો અને સર્જરી ટાળવી પડી રહી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્્યુબા પર દબાણ વધારીને ત્યાં અમેરિકી રોકાણ માટેના રસ્તા ખોલવા માંગે છે. વર્ષ ૧૯૯૮ અને ૨૦૧૨માં પણ ટ્રમ્પની કંપનીઓએ ક્્યુબામાં ગોલ્ફ કોર્સ અને રિસોર્ટ બનાવવા માટે ગુપ્ત પ્રવાસો કર્યા હતા. ટ્રમ્પે તાજેતરમાં ક્યુબા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “તે એક નિષ્ફળ દેશ છે. તેમની પાસે ન તો પૈસા છે, ન તેલ, કંઈ જ નથી. પરંતુ તે એક સુંદર ટાપુ છે.”
જોકે આ દરમિયાન ટ્રમ્પની ભૌગોલિક અજ્ઞાનતા પણ સામે આવી, જ્યારે તેમણે કહ્યું કે ક્યુબામાં વાવાઝોડા (હરિકેન) નથી આવતા, જ્યારે હકીકતમાં ક્્યુબા દર વર્ષે ભયાનક વાવાઝોડાઓનો સામનો કરે છે.
અમેરિકા ક્યુબા પર કયા કારણસર હુમલો કરવા માંગે છે?
૧. સામ્યવાદી (Communist) સરકાર અને લોકશાહીનો અભાવ
૧૯૫૯માં ફિડેલ કાસ્ટ્રોની ક્રાંતિ પછી ક્યુબામાં સામ્યવાદી (Communist) સરકાર સ્થપાઈ. અમેરિકા લોકશાહી (Democracy) અને મૂડીવાદનું સમર્થક છે, જ્યારે ક્યુબાની વન-પાર્ટી સિસ્ટમ અને માનવાધિકારોના ઉલ્લંઘન સામે અમેરિકાને સખત વાંધો છે. અમેરિકા ઈચ્છે છે કે ક્યુબામાં લોકશાહી આવે.
૨. શીત યુદ્ધ (Cold War) નો ઇતિહાસ અને રશિયા સાથેની નિકટતા
-
ક્યુબન મિસાઈલ કટોકટી (1962): શીત યુદ્ધ દરમિયાન ક્યુબાએ સોવિયત યુનિયન (રશિયા) ને પોતાના દેશમાં પરમાણુ મિસાઈલો ગોઠવવાની મંજૂરી આપી હતી, જે અમેરિકાના કિનારાથી માત્ર ૯૦ માઈલ દૂર હતું. આનાથી અમેરિકાની સુરક્ષા પર મોટો ખતરો ઊભો થયો હતો.
-
વર્તમાન સ્થિતિ: આજે પણ ક્યુબા, અમેરિકાના વિરોધી દેશો જેવા કે રશિયા, ચીન અને વેનેઝુએલા સાથે ખૂબ નજીકના લશ્કરી અને આર્થિક સંબંધો ધરાવે છે, જે અમેરિકાને પોતાની સરહદની નજીક પસંદ નથી.
૩. આતંકવાદને ટેકો આપવાનો આરોપ (State Sponsor of Terrorism)
અમેરિકાએ ક્યુબાને “આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશો” (State Sponsors of Terrorism) ની યાદીમાં મૂક્યું છે. અમેરિકાનો આરોપ છે કે ક્યુબાએ કોલંબિયાના બળવાખોરો અને અન્ય એવા તત્વોને આશ્રય આપ્યો છે જે અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓ કરે છે.
૪. અમેરિકાની આર્થિક પાબંદીઓ (Embargo)
લશ્કરી હુમલો કરવાને બદલે, અમેરિકાએ ક્યુબા પર ૧૯૬૦ના દાયકાથી અત્યાર સુધીનું સૌથી લાંબુ આર્થિક અને વ્યાપારિક પ્રતિબંધ (U.S. Embargo/Bloqueo) લાદેલું છે. આ પ્રતિબંધોનો હેતુ ક્યુબાની સરકારને આર્થિક રીતે નબળી પાડીને ત્યાં સત્તા પરિવર્તન લાવવાનો છે.
૫. ક્યુબન-અમેરિકન સમુદાયનું દબાણ
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં લાખો એવા ક્યુબન શરણાર્થીઓ રહે છે જેઓ કાસ્ટ્રોની સરકારના જુલમથી ભાગીને અમેરિકા આવ્યા હતા. આ સમુદાય અમેરિકાની ચૂંટણીઓમાં મોટી વોટબેંક છે અને તેઓ અમેરિકી સરકાર પર ક્યુબા પ્રત્યે સખત વલણ અપનાવવા માટે દબાણ કરે છે.
