Western Times News

Gujarati News

જનગણના 2027 અન્વયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સ્વ-ગણતરી ઓનલાઈન પ્રક્રિયામાં શહેરીજનોને સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો

2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે

તા.31-05-2026 સુધી લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં  સહભાગી થઈ શકશે

અમદાવાદ, 18 મે 2026: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને શહેરીજનોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા કહ્યું હતું કે-“2027 જનગણનામાં અમદાવાદના તમામ નાગરિકોને હું આમંત્રિત કરું છું કે, પોતાની સચોટ માહિતી સ્વ-ગણનામાં નોંધાવી, ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપો. પોતાની માહિતી સફળ, સચોટ અને સર્વ સમાવેશ જનગણના માટે આપણે યોગદાન આપીએ. ભારતની જનગણના એ વિકાસની જનગણના છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની  આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. 

નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે. 

વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.