Western Times News

Gujarati News

સુરતમાં ફોરેન કરન્સી આપવાના બહાને વેપારીના ૧૮.૬૫ લાખની લૂંટ

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

સસ્તા ભાવે ડૉલર આપવાની લાલચે રાંદેરના વેપારીને કારમાં બેસાડી લઈ ગયા અને લૂંટી હજીરા-સાયણ હાઈવે ઉપર ફેંકી લૂંટારા ફરાર

સુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સીના બહાને એક વેપારી સાથે ¹ ૧૮.૬૫ લાખથી વધુની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય અબ્દુલ રહેમાન મોહમદ હાસીયા ધોડદોડ રોડ પર “સિક્યોર વર્લ્ડ સર્વિસિસ” નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે. ગત ૧૫ મેના રોજ વેપારી અબ્દુલ રહેમાન પર વોટ્‌સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં સામાવાળા વ્યક્તિએ ૭,૦૦૦ અમેરિકન ડૉલર એક્સચેન્જ કરાવવાની વાત કરી સસ્તા ભાવે ડૉલર આપવાની લાલચ આપી હતી.

આ જાળમાં ફસાયેલા વેપારીને ઠગોએ જહાંગીરપુરા સ્થિત લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે બોલાવ્યા હતા. વેપારી ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેમને એક લાલ રંગની કારમાં બેસાડી દીધા હતા.વેપારી પાસે રહેલી બેગમાં ૧૩ લાખની રોકડ રકમ ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પૈસો અને રીંગીટ જેવી કિંમતી વિદેશી કરન્સી હતી. વેપારી કારમાં બેઠા કે તરત જ આરોપીઓએ પોતાની રંગ બતાવ્યો હતો અને વેપારી પાસેથી નાણાં ભરેલી બેગ આંચકી લીધી હતી અને કારને હજીરા-સાયણ હાઈવે તરફ દોડાવી મૂકી હતી.

લૂંટારાઓએ વેપારીને મલગામા ગામ નજીક રસ્તાની બાજુમાં એક અવાવરુ જગ્યાએ બળજબરીપૂર્વક ઉતારી દીધા હતા. અમેરિકન ડૉલર આપ્યા વગર જ રૂપિયા ભરેલી બેગ લઈને પલાયન થઈ ગયા હતા.આ અંગે એસીપી મિલન મોદીના જણાવ્યા અનુસાર લૂંટાયેલી મત્તામાં ૧૩,૦૦,૦૦૦ ની રોકડ રકમ, ૩,૨૦૦ બ્રિટિશ પાઉન્ડ, ૧,૧૦૦ યુરો, ૪,૭૦૦ પૈસો અને ૧,૧૦૦ રીંગીટ મળીને કુલ ૧૮.૬૫ લાખથી વધુની મત્તા સામેલ છે.

લૂંટાઇ ગયેલા વેપારીએ તાત્કાલિક તેના મિત્રનો સંપર્ક કર્યાે હતો અને મિત્રની મદદથી સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આપવિતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ તેમજ વોટ્‌સએપ નંબરના આધારે લાલ રંગની કાર અને લૂંટારાઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.