Western Times News

Gujarati News

સુરતમાં બોગસ એકાઉન્ટ અને નકલી સીમ કાર્ડ મારફતે જ ૫.૭૫ કરોડની ઠગાઈ

યસ બેંક અને IDBI બેંકના કર્મચારીઓ સહિત પાંચની ધરપકડ

કઠોર ગામની જમીનના સોદામાં મૂળ ખેડૂત માલિકો વિદેશમાં હોવા છતાં નકલી દસ્તાવેજો બનાવ્યા

સુરત, શહેરમાં જમીનના કરોડો રૂપિયાના સોદામાં બોગસ બેંક એકાઉન્ટ ખોલી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કૌભાંડમાં સંડોવાયેલા યસ બેંક અને IDBI બેંકના જવાબદાર કર્મચારીઓ તેમજ બોગસ સીમકાર્ડ પૂરા પાડનાર ડિસ્ટ્રીબ્યુટર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે મોટી સફળતા મેળવી છે. આ કેસમાં જમીન દલાલ હજી પોલીસની પકડથી દૂર છે.પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર કરોડોનું કૌભાંડ ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કઠોર ગામની બ્લોક નં. ૪૭૯, ૪૮૦ અને ૪૮૧ની કિંમતી જમીનના વેચાણને કેન્દ્રમાં રાખીને આચરવામાં આવ્યું હતું.

આ જમીનના મૂળ ખેડૂત માલિકો સલીમભાઈ ઈબ્રાહીમ ઈસ્માઈલ સીદાત, ફરીદાબીબી ઈબ્રાહીમ સીદાત તથા ખતીજાબેન રશીદ વ્હોરા છે. આ ત્રણેય માલિકોની જમીન વેચી આપવાના બહાને જમીન દલાલ અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર રવિકુમાર મધુભાઈ કોલડીયાએ ફરિયાદી પિયુષકુમાર ધનજીભાઈ સાસપરા સાથે કરોડો રૂપિયાનો સોદો નક્કી કર્યાે હતો. આરોપી રવિકુમારે ફરિયાદી પિયુષકુમારને પૂર્ણ વિશ્વાસમાં લીધા હતા અને જણાવ્યું હતું કે, જમીન માલિકો પાસેથી તમામ દસ્તાવેજી તેમજ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જ વેચાણ કરવામાં આવશે.

આ વાતોમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૪,૮૧,૫૧,૩૨૧ તેમજ રોકડ સ્વરૂપે રૂ. ૯૪ લાખ મળીને કુલ રૂ. ૫,૭૫,૫૧,૩૨૧ જેટલી માતબર રકમ આરોપીને ચૂકવી દીધી હતી.દરમિયાન, આ મામલે થયેલી ઊંડી તપાસમાં કંપારી છૂટી જાય તેવો ખુલાસો થયો હતો કે જ્યારે આ જમીનનો સોદો અને દસ્તાવેજો થઈ રહ્યા હતા, ત્યારે તેના મૂળ માલિકો ભારત બહાર એટલે કે વિદેશમાં સ્થિત હતા. આમ છતાં, આરોપીઓએ જમીન માલિકોની ખોટી સહીઓ કરી, તેઓ ભારતમાં જ હાજર હોવાનું દર્શાવીને નકલી દસ્તાવેજો ઊભા કરી દીધા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે યસ બેંકની અંકલેશ્વર શાખાના બેંક કર્મચારીઓની મિલીભગતથી મૂળ જમીન માલિકોના નામે જ બોગસ બેંક એકાઉન્ટ્‌સ ખોલાવી દેવાયા હતા.

ફરિયાદી પિયુષકુમાર દ્વારા જે ચેકો આપવામાં આવ્યા હતા, તે આ બોગસ એકાઉન્ટ્‌સમાં જમા કરાવીને આશરે રૂ. ૨.૮૦ કરોડની રકમ ટુકડે-ટુકડે ઉપાડી લેવામાં આવી હતી. આટલું જ નહીં, બાકીની રૂ. ૨.૯૫ કરોડથી વધુની રકમ IDBI બેંકની ઘોડદોડ રોડ શાખામાં ખોલવામાં આવેલા અન્ય એક બોગસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. આ કરોડોની રકમ ન તો મૂળ જમીન માલિકોને મળી કે ન તો ફરિયાદીને પરત મળી હતી.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદી પિયુષકુમારે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ આર્થિક કૌભાંડની તપાસ સુરત પોલીસ કમિશ્નરે ઇકોસેલને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, યસ બેંક અંકલેશ્વર શાખાના સેલ્સ ઓફિસર સંદીપકુમાર રણજીતસિંહ પીલુદરીયા, આઝાદખાન યુનુસખાન પઠાણ અને રિલેશનશિપ મેનેજર સિવાની સામંતભાઈ પટેલે મુખ્ય આરોપી રવિકુમાર કોલડીયા સાથે સાંઠગાંઠ કરીને કોઈપણ યોગ્ય વેરિફિકેશન વગર જ બોગસ એકાઉન્ટ ખોલી આપ્યા હતા. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.