Western Times News

Gujarati News

રાજકોટમાં સગીરા પર ગેંગરેપના કેસમાં બે સગીર સહિત પાંચ આરોપી ઝડપાયા

Files Photo

સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું તે કાર કબજે કરાઇ

આઠેય આરોપીઓએ ભોગ બનનાર સગીરા સાથે શારીરિક અત્યાચાર ગુજારવામાં એકબીજાને સક્રિય મદદગારી કરી હતી

રાજકોટ,રાજકોટમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરા સાથે થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર ત્રણ શખસોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા અનુસાર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ થયાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે સ્વીફ્ટ કાર પણ કબજે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ ૬ વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. આ વખતે પણ આરોપીએ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઈ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આરોપીઓ દ્વારા સગીરાને બે અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી બંને હોટલ ખાતે પણ તપાસ હાથ રાખવામાં આવી છે. જેમાં હોટલ સંચાલકની કોઈ ક્ષતિ જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આમ આ તમામ આઠેય આરોપીઓએ ભોગ બનનાર સગીરા સાથે શારીરિક અત્યાચાર ગુજારવામાં એકબીજાને સક્રિય મદદગારી કરી હતી. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.