Western Times News

Gujarati News

નળ સરોવરની વૈશ્વિક જૈવ વિવિધતાથી ધોલેરાના મેન્ગ્રોવ્સ સુધી ફેલાયેલો અમદાવાદ જિલ્લાનો હરિયાળો વારસો

૨૨ મે – આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ (International Day for Biological Diversity)
વેટલેન્ડ્સ પર અદભુત પક્ષી સૃષ્ટિ, મરીન ઇકોસિસ્ટમ અને આધુનિક અર્બન બાયો-પાર્કના ત્રિવેણી સંગમ થકી જૈવ વિવિધતાનું જતન
જ્યારે આપણે અમદાવાદ જિલ્લા વિશે વિચારીએ ત્યારે અગ્રણી આર્થિક કેન્દ્ર, ગગનચુંબી ઇમારતો અને આધુનિક મેટ્રો ટ્રેન નજર સમક્ષ આવે છે. પરંતુ ભૌગોલિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ પણ અમદાવાદ જિલ્લો નૈસર્ગિક અને જૈવ વિવિધતા ધરાવતો સમૃદ્ધ વિસ્તાર છે. પ્રગતિની હરણફાળ વચ્ચે પણ આ જિલ્લાએ પોતાની પ્રાકૃતિક ધરોહરને સાચવી રાખી છે.
દર વર્ષે ૨૨ મેના રોજ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ’ ઉજવાય છે. આ વર્ષે આ ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ – “વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા” (Acting locally for global impact) નક્કી કરવામાં આવી છે. આ થીમ આપણને સંદેશ આપે છે કે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને બચાવવા માટે વૈશ્વિક સ્તરે મોટા આયોજનોની સાથે સાથે સ્થાનિક સ્તરે નાના પણ મક્કમ પગલાં ભરવા ખૂબ અનિવાર્ય છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના કુદરતી આવાસોનું સ્થાનિક સ્તરે જે સંવર્ધન થઈ રહ્યું છે, તે આ વૈશ્વિક સંકલ્પને જમીની સ્તરે સાકાર કરતું ઉત્તમ ઉદાહરણ છે.
અમદાવાદ જિલ્લાની કુદરતી સંપદા પર નજર કરીએ, તો અહીં આંતરરાષ્ટ્રીય સ્તરની આર્દ્રભૂમિ (Wetlands), અદભુત પક્ષી સૃષ્ટિ, દરિયાઈ ઇકોસિસ્ટમ અને આધુનિક અર્બન બાયો-પાર્કનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
૧. ગ્લોબલ વેટલેન્ડ્સ અને સમૃદ્ધ પક્ષી સૃષ્ટિ
અમદાવાદ જિલ્લો ભૌગોલિક રીતે પક્ષીઓ અને જળચર સૃષ્ટિ માટે સ્વર્ગ સમાન છે. જિલ્લાના લોકેશનને કારણે અહીં એશિયાની અગ્રણી આર્દ્રભૂમિઓનો સીધો લાભ મળે છે.
 *નળ સરોવર પક્ષી અભયારણ્ય (એશિયાનું મોટું કુદરતી વેટલેન્ડ):* લગભગ ૧૨૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અને અમદાવાદ જિલ્લાના સાણંદ સરહદે આવેલું નળ સરોવર વૈશ્વિક મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ છે. શિયાળો શરૂ થતાં જ સાઇબેરિયા, યુરોપ અને મધ્ય એશિયાથી હજારો માઇલ કાપીને વિવિધ પ્રજાતિના લાખો પ્રવાસી પક્ષીઓ અહીં આશ્રય લે છે. જેમાં ગ્રેટર અને લેસર ફ્લેમિંગો (હંજ), પેલિકન (ગુલાબી પેણ), ક્રેન્સ (સારસ), અને જાતજાતના યાયાવર બતકો મુખ્ય આકર્ષણ છે. સરોવરમાં કુદરતી રીતે ઉગતી ‘બીડ’ (ચોક્કસ પ્રકારનું ઘાસ) અને સ્થાનિક જળચર વનસ્પતિઓ આખી ઇકોસિસ્ટમને જીવંત રાખે છે.
 *થોળ પક્ષી અભયારણ્ય :* ભૌગોલિક રીતે થોળ તળાવ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે, પરંતુ તે બિલકુલ અમદાવાદ જિલ્લાની સરહદ પર હોવાથી અમદાવાદની ઇકોલોજીમાં તેનો હિસ્સો ઘણો મોટો છે. આ વિસ્તાર પક્ષીઓની ગીચતા માટે બેજોડ છે. અહીંના આછા પાણી અને આસપાસના કૃષિ વિસ્તારોને કારણે પક્ષીઓને ઉત્તમ આહાર મળી રહે છે. આ સરોવર ખાસ કરીને ફ્લેમિંગો અને સારસ ક્રેનના સંવર્ધન માટે પ્રખ્યાત છે.
*૨. ધોલેરા ક્રીક: અમદાવાદનો કોસ્ટલ વારસો અને ‘મિષ્ટી’ (MISHTI) પ્રકલ્પ*
અમદાવાદ જિલ્લાનો દક્ષિણ છેડો જ્યાં ખંભાતના અખાતને સ્પર્શે છે, તે ધોલેરા ક્રીક વિસ્તાર એક વિશિષ્ટ દરિયાઈ જૈવ વિવિધતા ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન સાધવા માટે વિશેષ આયોજન કરાયું છે.
 *MISHTI પ્રકલ્પ અંતર્ગત મેન્ગ્રોવ્સનું વાવેતર:* 
કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ધોલેરા વિસ્તારમાં MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) પ્રોજેક્ટ અંતર્ગત મોટા પાયે મેન્ગ્રોવ્સ (ચેરોના જંગલો)નું વાવેતર અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી તટીય વિસ્તારોમાં ગ્રીન કવર વધી રહ્યું છે.
 *કુદરતી રક્ષણાત્મક ઢાલ:* ધોલેરા અને તેની આસપાસના ભરતીવાળા કાદવવાળા વિસ્તારોમાં ઉગતા મેન્ગ્રોવ્સ દરિયાઈ મોજાં સામે જમીનનું ધોવાણ અટકાવે છે. આ અનોખી ઇકોસિસ્ટમ નાના કરચલા, ઝીંગા અને નાની માછલીઓ માટે ‘નર્સરી’ જેવું કામ કરે છે, જે ખોરાકની શોધમાં આવતા હજારો સ્થાનિક અને પ્રવાસી દરિયાઈ પક્ષીઓ માટે મોટું ફીડિંગ ગ્રાઉન્ડ બને છે. ધોલેરાની આ કોસ્ટલ બાયોડાયવર્સિટીની જાળવણીને પ્રાથમિકતા અપાઈ છે.
 *૩. સાબરમતી રિવરફ્રન્ટ બાયોડાયવર્સિટી પાર્ક: અર્બન કન્ઝર્વેશનનું મોડેલ*
એક તરફ જિલ્લાના ગ્રામ્ય અને દરિયાઈ વિસ્તારોમાં વિશાળ કુદરતી સંસાધનો છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં માનવ-નિર્મિત પ્રકલ્પો દ્વારા જૈવ વિવિધતા લાવી શકાય તેનું આધુનિક ઉદાહરણ એટલે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો બાયોડાયવર્સિટી પાર્ક.
 *દેશી વનસ્પતિઓનું પુનઃસ્થાપન:* આ પાર્ક એ સાબિતી છે કે યોગ્ય આયોજન અને સકારાત્મક અભિગમ હોય તો શહેરી વિકાસ અને ઇકોલોજી સમાંતરે ચાલી શકે છે. વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા અહીં ગુજરાતની પરંપરાગત અને વાતાવરણને અનુકૂળ એવી સેંકડો દેશી વૃક્ષો તથા ઔષધિય છોડની પ્રજાતિઓ ઉગાડવામાં આવી છે.
 *બર્ડ્સ એન્ડ બટરફ્લાય હબ:* સંપૂર્ણપણે નૈસર્ગિક વાતાવરણ હોવાના કારણે અહીં હજારો પતંગિયાઓ અને લુપ્ત થતી સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ (જેમ કે ચકલીઓ, દેવચકલી, વિવિધ કીટભક્ષી પક્ષીઓ) કુદરતી આશ્રય મેળવી રહી છે.
આ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટ પર આવેલા વિવિધ પાર્ક અને શહેરમાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્ક પણ બાયો ડાઈવર્સિટી કન્ઝર્વેશન માટે મહત્વના સાબિત થઈ રહ્યા છે.
*સંવર્ધન જ આપણું સંરક્ષણ -આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે અમદાવાદ જિલ્લાની આ ત્રિવેણી-શાખા (કુદરતી વેટલેન્ડ્સ, કોસ્ટલ મેન્ગ્રોવ્સ અને અર્બન બાયો-પાર્ક) દર્શાવે છે કે ટકાઉ વિકાસ (Sustainable Development) જ સાચો માર્ગ છે. રાજ્ય સરકારની પર્યાવરણલક્ષી નીતિઓ, ‘મિષ્ટી’ જેવા પ્રકલ્પો અને નાગરિકોની સક્રિય ભાગીદારીના સમન્વયથી અમદાવાદ જિલ્લો ગ્રીન ગ્રોથ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
આવો, આ જૈવ વિવિધતા દિવસે આપણે સૌ આપણી આસપાસ ધબકતી અને કલરવ કરતી આ અનમોલ હરિયાળી સૃષ્ટિના જતન અને સંવર્ધન માટે સંકલ્પબદ્ધ બનીએ. આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.