Western Times News

Gujarati News

બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ચીજવસ્તુઓ પધરાવતી ટોળકી ઝડપાઇ

ક્રાઇમ બ્રાંચની સોલા ભાગવત પાસે મોટી કાર્યવાહીઃ સિગારેટ, અમૂલ ઘી, ચા અને મસાલા સહિત રૂ ૩.૦૯ લાખનો ડુપ્લિકેટ મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, શહેરમાં જાણીતી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્‌સના પેકિંગ તેમજ લોગોની આબેહૂબ નકલ કરી નિર્દોષ ગ્રાહકોને નકલી સામાન પધરાવી આર્થિક ચીટિંગ કરતી એક શાતિર ટોળકીનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે.

એસ.જી. હાઇવે પર સોલા ભાગવત ગેટ નજીક વોચ ગોઠવીને પોલીસે નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું ગેરકાયદે વેચાણ કરતા ૩ શખસોને રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેંગ્લોર સ્થિત એક ઓથોરાઇઝ્ડ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદમાં જાણીતી બ્રાન્ડની નકલી સિગારેટનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. જેના આધારે એજન્સીના અધિકારીએ પોતે ડમી ગ્રાહક બનીને આ નકલી સામાન વેચતા શખસનો સંપર્ક સાધ્યો હતો.

મોટો જથ્થો ખરીદવાનો સોદો નક્કી કરી આરોપીઓને માલની ડિલિવરી આપવા માટે સોલા ભાગવત ગેટ પાસે બોલાવવામાં આવ્યા હતા. આ અંગે એજન્સીએ અગાઉથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને જાણ કરી દેતા પોલીસે ઘટનાસ્થળે ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી.

નક્કી કરેલા સમયે સોલા ભાગવત ગેટ પાસે કાર લઇને પહોંચેલા ત્રણ શખસોને ક્રાઇમ બ્રાંચની ટીમે ચારેય તરફથી ઘેરી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી અરુણકુમાર ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદ્દાર નામના ત્રણ શખસોની અટકાયત કરી હતી.

ત્યારબાદ કારની તલાશી લેતા અંદરથી માત્ર નકલી સિગારેટ જ નહીં, પરંતુ રોજિંદા વપરાશની અનેક નામાંકિત બ્રાન્ડ્‌સનો નકલી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી સિગારેટના ૪૪ મોટા પેકેટ, અમૂલ ઘીના ૧૫ પાઉચ, જાણીતી બ્રાન્ડની ચાના ૧૨ પેકેટ, ડિટરજન્ટ પાવડરના ૧૪ પેકેટ, વિવિધ મસાલાના ૬૦ પેકેટ અને બીડીના ૧૫ પેકેટ સહિત કુલ રૂપિયા ૩,૦૯,૧૯૭ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુજીત પોદ્દાર હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ કબૂલાત કરી હતી કે, તે અલગ-અલગ ગુપ્ત સ્થાનો પરથી ખૂબ જ સસ્તા ભાવે આ ડુપ્લિકેટ માલ ખરીદી લાવતો હતો. ત્યારબાદ અરુણ અને સચિન મારફતે આ સામાન બજારમાં છૂટક ગ્રાહકો તથા નાના કરિયાણાના દુકાનદારોને ઓરિજિનલ કંપનીના ભાવે પધરાવી દઈ મોટો આર્થિક નફો કમાતા હતા.

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા અને જાણીતી કંપનીઓની બજાર શાખને નુકસાન પહોંચાડતા આ રેકેટના મૂળ ક્યાં સુધી વિસ્તરેલા છે, તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નકલી સામાનનો આટલો મોટો જથ્થો ક્યાં તૈયાર થતો હતો અને તેનો મુખ્ય સપ્લાયર કોણ છે, તે દિશામાં ક્રાઇમ બ્રાંચે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. બીજી તરફ હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે પણ આવી નકલી ચીજોથી સાવધ રહેવા અને ખરીદી વખતે કાળજી રાખવા લોકોને અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.