ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ કોઈ રાજકીય નહીં, પણ જીવન બદલવાનું જન-આંદોલન છે: હર્ષ સંઘવી
અમદાવાદ ખાતે ‘કોમનવેલ્થ ગેમ્સ ડે’ અને ‘ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ’ની ૭૫મી ઐતિહાસિક એડિશનની ભવ્ય ઉજવણી
ભવ્ય સાયકલિંગ ઇવેન્ટમાં હજારો યુવાનોને અપાયો ફિટનેસ અને સાયકલિંગનો સંદેશ
’વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક નાગરિકનું ફિટ રહેવું અનિવાર્ય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ‘કોમનવેલ્થ ગેમ્સ ડે’ અને ‘ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ’ની ૭૫મી એડિશન નિમિત્તે એક વિશાળ અને ભવ્ય સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ૬:૦૦ વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના હજારો ઉત્સાહી યુવા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, “આજે ‘સંડે ઓન સાયકલ’ની આ ૭૫મી એડિશન છે અને સાથે જ ‘કોમનવેલ્થ ડે’ પણ છે. આપણા સૌ માટે એ ગર્વની વાત છે કે વર્ષ ૨૦૩૦માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે.”

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક નાગરિકનું ફિટ રહેવું અનિવાર્ય છે. તેમણે સાયકલિંગના ત્રણ મુખ્ય ફાયદાઓ ગણાવતા કહ્યું કે, પ્રથમ- સાયકલિંગ એ શરીરને ફિટ રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે. દ્વિતીય- સાયકલના ઉપયોગથી પ્રદૂષણની સમસ્યાનું કાયમી નિવારણ થાય છે. તૃતીય- નજીકના સ્થળોએ જવા માટે સાયકલનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીજીના ‘તેલ બચાવો અભિયાન’ને વેગ મળે છે, જેનાથી દેશના ઇંધણની આર્થિક બચત થાય છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ અમદાવાદના યુવાનોના જોશને બિરદાવતા હળવા અંદાજમાં કહ્યું કે, “ગુજરાતી માણસ કામ માટે આખી રાત જાગી લેશે, પરંતુ ફિટનેસ માટે વહેલી સવારે ઉઠવું એ તેના માટે મોટો પડકાર હોય છે. તેમ છતાં, આજે અમદાવાદના યુવાનો આટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે.” તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન એ કોઈ સરકારી કે રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી આપણી પોતાની જ જન-મૂવમેન્ટ છે.
બોલિવૂડ અભિનેતા શ્રી આયુષ્માન ખુરાનાએ દેશમાં ક્રિકેટની જેમ જ અન્ય તમામ રમતો અને ખેલાડીઓને પ્રોત્સાહન તેમજ ચાહકોનો સપોર્ટ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ યોજાઈ રહેલા આવા ફિટનેસ કાર્યક્રમોના પરિણામે, આજે અહીં ઉપસ્થિત રહેલા બાળકો અને યુવાનોમાંથી જ કોઈ ભવિષ્યમાં ઓલિમ્પિક કે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવશે.
આ ગરિમામય સાયકલિંગ ઇવેન્ટમાં ઓલિમ્પિક વિજેતા શ્રી ગગન નારંગ, ઓલિમ્પિક એસોસિએશનના શ્રી અજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને અમદાવાદના હજારો ઉત્સાહી નાગરિકો-યુવાનો સહભાગી થયા હતા.
