Western Times News

Gujarati News

જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે મોડી રાત્રે કાર સહિત ૫ થી વધુ વાહનો પર પથ્થરમારો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અસામાજિક તત્વો ફરી એકવાર સક્રિય થયા છે. કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં આવેલી પ્રખ્યાત કાચની મસ્જિદ નજીક મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.

આ તત્વોએ કોઈ અગમ્ય કારણોસર અથવા વિસ્તારમાં પોતાનો વટ અને ડર ઊભો કરવાના ઈરાદે રસ્તા પર અને ઘર આંગણે પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી હતી, જેના કારણે સવારે વાહન માલિકો જાગ્યા ત્યારે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિએ જ્યારે આખો વિસ્તાર સૂતો હતો ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વો લાકડીઓ અને પથ્થરો સાથે ધસી આવ્યા હતા.

તેઓએ કાચની મસ્જિદ પાસે પાર્ક કરેલી એક ફોર વ્હીલર (કાર) તેમજ ત્યાં લાઈનસર પડેલા અન્ય ૪ થી ૫ ટુ-વ્હીલર વાહનો પર આડેધડ હુમલો કરી દીધો હતો. તત્વોએ વાહનોના કાચ ફોડી નાખ્યા હતા અને વાહનોને નીચે પાડી દઈને મોટું નુકસાન પહોંચાડ્‌યું હતું. મોડી રાત્રે થયેલા આ અવાજ અને તોડફોડના કારણે સ્થાનિક રહીશોમાં ભય વ્યાપી ગયો હતો.

ઘટના અંગે સવારે પોલીસને જાણ કરવામાં આવતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નુકસાન પામેલા વાહનોની સ્થિતિનું પંચનામું કર્યું હતું અને આસપાસની દુકાનો તેમજ મકાનો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસનું કહેવું છે કે વીડિયો ફૂટેજના આધારે તોડફોડ કરનારા શખ્સોની ઓળખ બહુ જલ્દી કરી લેવામાં આવશે અને તેમની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવવામાં આવશે. સ્થાનિક લોકોએ પણ આ વિસ્તારમાં રાત્રિ પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.