૯ લોકોનો ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં જીવ લેનાર તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા -ગુજરાત હાઈકોર્ટમાંથી અગાઉ ઘણી વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચકચારી અને કાળજું કંપાવી દેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને સુપ્રીમ કોર્ટમાંથી સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યરાત્રિએ લક્ઝુરિયસ જેગુઆર કાર બેફામ દોડાવીને નિર્દોષ ૯ લોકોનો ભોગ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ હવે જેલની બહાર આવશે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ 27-05-2026ના રોજ તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટોળે વળેલા લોકો પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચઢાવી દીધી હતી, જેમાં પોલીસકર્મીઓ સહિત ૯ આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તથ્ય પટેલ સાબરમતી જેલમાં બંધ હતો.
ગુજરાત હાઈકોર્ટમાંથી અગાઉ ઘણી વખત જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આરોપી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. હવે પોણા ત્રણ વર્ષ જેટલા લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપતાં તથ્ય પટેલ જેલમુક્ત થશે. આ ચુકાદાને પગલે અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોમાં ફરી એકવાર ન્યાયને લઈને ચર્ચાઓ જાગી છે.
ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે, જેના પગલે તે લગભગ પોણા ત્રણ વર્ષ બાદ સાબરમતી જેલમાંથી બહાર આવશે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં તથ્ય પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી કે કેસના કુલ ૧૯૧ સાક્ષીઓ પૈકી અકસ્માત નજરે જોનારા આશરે ૨૯ જેટલા મહત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીના સાક્ષીઓની તપાસ હજુ બાકી છે.
તથ્યને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવા હાઈકોર્ટનો ઇનકાર
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં ૨૫ સાક્ષીઓ તપાસવા માટે ખાસ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ તથ્ય સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. જો કે, જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તથ્ય પટેલ સામાન્ય જીવન જીવી શકશે નહીં. અમદાવાદ ટ્રાફિક પોલીસની કડક ભલામણના આધારે સાબરમતી આરટીઓ દ્વારા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
આ કાયમી પ્રતિબંધના કારણે તથ્ય પટેલ હવે ભારતમાં કાયદેસર રીતે ક્યારેય કોઈ પણ વાહન ચલાવી શકશે નહીં. આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોલીસે ઘટનાના માત્ર ૭ જ દિવસમાં ૧૬૮૪ પાનાની કાયદાકીય કલમોથી સજ્જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
જેમાં તથ્ય સામે આઈપીસીની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪, ૩૦૮ સહિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તથ્ય સામે સૌથી ગંભીર ગણાતી આઈપીસીની કલમ ૩૦૪ (સાપરાધ મનુષ્યવધ) લગાવવામાં આવી છે, જેમાં દોષિત ઠરવા પર મહત્તમ ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે.
Iskon Bridge Accident: તથ્યની ગાડીની સ્પિડ 142 કિમી. હતી: FSL
