Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશઃ સૂર્યા ચૌહાણ હત્યા કેસના આરોપીનું એન્કાઉન્ટર

AI Image

(એજન્સી) લખનૌ, ગાજિયાબાદના ખોડામાં બકરી ઈદના દિવસે ૧૭ વર્ષીય સૂર્યા ચૌહાણની હત્યા થઈ હતી. હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અથડામણ બાદ મુખ્ય આરોપી અસદને ઝડપી લીધો હતો. જોકે, અથડામણ દરમિયાન અસદને ગોળી વાગી હતી અને હવે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

પોલીસને ગઈ રાતે એક બાતમી મળી હતી કે આ હત્યાકાંડનો મુખ્ય આરોપી અસદ પોતાના કોઈ મિત્ર પાસેથી પૈસા લેવા માટે ખોડા વિસ્તારમાં આવવાનો છે, પૈસા મળ્યા પછી અસદનો શહેર છોડીને ભાગવાનો પ્લાન હતો. આ બાતમીના આધારે પોલીસે આ વિસ્તારમાં જાળ પાથરી દીધી હતી. થોડીવાર બાદ અસદ એક વ્યક્તિની સાથે મોટરસાયકલ પર બેસીને ત્યાં પહોંચ્યો.

પોલીસે દાવો કર્યો છે કે, પોલીસે તેને શાંતિથી સરેન્ડર કરવા માટે કહ્યું હતું. જોકે, અસદે ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન પોલીસે તરત જડબાતોડ જવાબ આપ્યો હતો. બંને તરફથી થયેલી ફાયરિંગમાં અસદને ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. આ અથડામણ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયા છે.

ગાજિયાબાદ પોલીસે ઘટનાસ્થળેથી મોટરસાયકલ જપ્ત કરી છે, જેના પર અસદ આવ્યો હતો. સાથે જ અસદ પાસેથી એક દેશી પિસ્તોલ પણ મળી છે, જેનો ઉપયોગ તેણે પોલીસ પર ફાયરિંગ માટે કર્યો હતો. જોકે, અથડામણ દરમિયાન મોટરસાયકલ પર અસદ સાથે રહેલો તેનો મિત્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

સૂર્યા ચૌહાણની હત્યાનો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં કેટલાક યુવકો તેના પર ચાકૂથી હુમલો કરતા દેખાયા હતા. પોલીસે આ કેસમાં પહેલેથી ૩ આરોપીઓને પકડી લીધા હતા અને ૨ આરોપી ફરાર હતા.

અસદ આ હત્યાકાંડનો ચોથો અને મુખ્ય આરોપી હતો, જેના પર પોલીસે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. હવે પોલીસને પાંચમા આરોપીની શોધ છે. સૂર્યાના પરિવારજનોએ આરોપીઓના એન્કાઉન્ટર અને બુલડોઝર એક્શનની માંગ પણ કરી હતી. કેસની સંવેદનશીલતા જોતા સૂર્યાના અંતિમ સંસ્કાર ભારે સુરક્ષા વચ્ચે કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.