૨૦ રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ-ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી
(એજન્સી)નવી દિલ્હી, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ૨ જૂન સુધી ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાનના રણમાંથી ફૂંકાતા ધૂળભર્યા પવનો (રેતીનું તોફાન) કેટલાક રાજ્યોમાં લોકોને પરેશાન કરી શકે છે. ૭૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૪ જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરી શકે છે. તો બીજી તરફ, આ વર્ષે ચોમાસામાં સામાન્ય ૮૭ સેન્ટિમીટર કરતાં ઓછો, એટલે કે આશરે ૭૮ સેન્ટિમીટર વરસાદ થવાનો અંદાજ છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, પરંતુ બાકીના રાજ્યોમાં, ખાસ કરીને કૃષિ પ્રધાન રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે ૧ જૂન, સોમવારના રોજ બિહારમાં ૮૦ થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે. વરસાદ અને કરા પડવાની પણ સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં પણ વરસાદ પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ક્્યાંક હળવો તો ક્્યાંક ભારે વરસાદ થશે. ઉત્તર-પૂર્વના રાજ્યો અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ અને તોફાની પવનોનું એલર્ટ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પરમદિવસે ૨ જૂન, મંગળવારના રોજ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટકમાં ઘણી જગ્યાએ હળવોથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વના રાજ્યો અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદ અને વાવાઝોડાનો દોર ચાલુ રહેવાની સંભાવના છે.
દેશની રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસે વરસાદ પડવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. વળી આજે, આવતીકાલે અને પરમદિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. સવાર અને સાંજના સમયે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારપછીના ૬ દિવસમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થશે. જ્યારે આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારપછીના ૪ દિવસમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થશે.
