Western Times News

Gujarati News

ગરમીમાં દેશી પીણાનો ઉપયોગ કરવા PMની દેશવાસીઓને અપીલ

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યુ. આ રેડિયો કાર્યક્રમનો ૧૩૪મો એપિસોડ છે. આ પહેલા ૧૩૩મો એપિસોડ ૨૭ એપ્રિલે પ્રસારિત થયો હતો.

જેમાં વડાપ્રધાન મોદીએ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાના એક અનોખા ડિજિટલ ડેટાબેસ પર પ્રકાશ પાડ્યો હતો. આ ડેટાબેસ ખાસ અભિલેખ પટલ પોર્ટલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા ૨૦ કરોડથી વધુ કિંમતી દસ્તાવેજો સુધી પહોંચ મળી શકે છે.

આજે મન કી બાતના ૧૩૪મા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં લગભગ ૮૦૦ એથ્લીટ્‌સે ભાગ લીધો હતો. આ બધા દેશભરમાંથી આવ્યા હતા.

આ દરમિયાન ચાર અલગ-અલગ ઇવેન્ટમાં ચાર નેશનલ રેકોર્ડ તૂટી ગયા. ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર – આ તમામે અલગ-અલગ કેટેગરીમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. હું સૌપ્રથમ તો તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

પીએમ મોદીએ કહ્યું કે, મિત્રો, આપણા દેશમાં ગરમી સામે લડવાનો ઉપાય ઘણીવાર રસોડામાંથી પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ-જેમ ગરમી વધે છે, તેમ-તેમ ઘરનું રસોડું પણ બદલાઈ જાય છે, દેશી પીણાંથી તમે પણ પરિચિત છો.

જો તમે ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે કેરી પન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત. પંજાબ-હરિયાણામાં જશો તો લસ્સી મળશે, મોટા ગ્લાસમાં લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાસ, જે દરેક ભોજનની સાથી બની જાય છે. બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં સત્તૂનું શરબત, એ તો પેટ પણ ભરે છે અને તાકાત પણ આપે છે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત, સોલ કઢી. દક્ષિણ ભારતમાં પાનકમ, નીર મોર, સંભારમ અને ઓડિશામાં બેલ પના – એ માત્ર પીણાં નથી, એ ભારતના વિવિધ વિસ્તારોની પરંપરાનો ભાગ છે.

મોદીએ કહ્યું કે, એમાં ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવના પણ જોવા મળે છે. એક વાત જરૂર યાદ રાખજો, કોઈ મોટી બ્રાન્ડિંગ નથી, પણ પેઢીઓનો અનુભવ એમાં સમાયેલો છે. તમે પણ ગરમી દરમિયાન દેશી પીણાંનો આનંદ માણો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.