Western Times News

Gujarati News

દમણમાં PM મોદીએ “નમો એરપોર્ટ”ના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્‌ઘાટન કર્યું 

 રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા -સુરત આજે સ્વચ્છતા માટે જાણીતું થયુંઃ વડાપ્રધાન

વડાપ્રધાનના હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ.૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી

સુરત, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત એરપોર્ટ પરથી પીએમ મોદી લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્‌સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન મોદીએ વિવિધ પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સુરતવાસીઓ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ અહીં સુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. મારો તેમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે તેઓ ખેતર બચાવો અભિયાનમાં જોડાય.

પીએમ મોદીએ કહ્યું કે, સાથીઓ, અહીંયા મારું બધાએ સ્વાગત કર્યું, જાત-જાતની ભેટો આપી, પણ આના કરતા પણ અનમોલ ભેટ સુરતે મને આપી છે, આનાથી અનેક મુલ્યવાન..સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. ૧ લાખ લોકોએ ૫ દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું, મારા માટે આ મોટામાં મોટી સોંગાદ છે અને આ ૧ લાખ લોકોનો અને આખા સુરતનો હું દિલથી આભાર માનું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકોને થતું હશે કે આ કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે, એનો ગૌરવ કરી રહ્યો છે. મારે સ્વચ્છતાને સંસ્કાર બનાવવાના છે. ૧ લાખ લોકોનું જોડાવું – ૧ લાખ પરિવારોનું જોડાવું, આ માત્ર સ્વાચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. આ માટે સુરતના દરેક સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે.

તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હું પહેલીવાર ગુજરાત અને સુરત આવ્યો છું. હું સુરતમાંથી ગુજરાતની જનતાને વંદન કરું છું. સાથીઓ અઢી દાયકા કરતા વધારે સમય થઈ ગયો છે. તમે બધા ભારતીય જનતા પાર્ટીને નિરંતર પોતાના આશીર્વાદ આપી રહ્યા છો અને સમયની સાથે આ આશીર્વાદ વધતા જઈ રહ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ.૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી. તેમાં રૂ.૧૩,૯૨૬ કરોડના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે રૂ.૪,૮૫૨ કરોડના પાંચ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીને લઈને મોદીએ કહ્યું કે, તાજેતરમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગનરપાલિકાની ચૂંટણી યોજાઈ. આમાં ગુજરાતના લોકોએ ભાજપને એટલું સમર્થન આપ્યું કે, જૂના બધા રેકોર્ડ તૂટી ગયા. આજે હું વધારે ખુશ એટલા માટે છું કારણ કે મારો રેકોર્ડ પણ તમે બધાએ તોડી નાખ્યો.

હું રાજકારણમાં ઘણો મોડો આવ્યો હતો અને ત્યારબાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીમાં અમે ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારથી લઈને આજસુધી આ વિજયની યાત્રા ચાલી રહી છે. દુનિયાના લોકતાંત્રિક સમાજમાં આવું ઘણું ઓછું જોવા મળે કે કોઈ દળને આટલા લાંબા સમય સુધી જનતાના આશીર્વાદ મળે અને સેવાનો અવસર મળે. આ ઘણી મોટી વાત છે. અહીં સુરત-નવસારીના ચૂંટાયેલા ઘણા જનપ્રતિનિધિઓ પણ આવ્યા છે, હું આપ સૌને પણ શુભેચ્છા પાઠવું છું.

૫ જૂને પર્યાવરણ દિવસ છે, પર્યાવરણ દિવસના આ અવસર પર હું દેશના સૌથી સ્વચ્છ શહેરમાંથી એક સુરતમાં છું. કેટલો મોટો ગર્વનો વિષય છે કે આ જ સુરત શહેર એક સમયે પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું અને આજે સ્વચ્છતા માટે ઓળખાય છે. એટલે અઢી દાયકાથી નિરંતર પ્રયાસ થયા છે.

આમાં સુરતના તમામ લોકો, અધિકારીઓ, કાર્યકરો બધાનું યોગદાન છે. સુરતમાં સ્વચ્છતામાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક અભિયાન પણ ચલાવવામાં આવ્યા છે. હું સુરતવાસીઓને આપણી દેશી ભાષામાં કહીએ તો મારા વ્હાલા સુરતીઓને ખૂબ-ખૂબ અભિનંદન.

મોદીએ કહ્યું કે, સુરતના વિકાસને ગતિ આપવા માટે અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીન ગ્રોથ તરફ કામ કરી રહ્યું છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.

ગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પાર્ક પણ બનાવવામાં આવ્યો હતો. તે સમયે તો ચારણકા તીર્થ ક્ષેત્ર બની ગયું હતું, લોકો તેને દૂર-દૂરથી જોવા આવતા હતા. દૂર-દૂર સુધી જોવા મળે એવો સોલાર પ્લાન્ટ. તમે બધાએ જે કર્યું તેણે આખા દેશને પ્રેરણા આપી છે. આજે ભારત પ્રકૃતિની સાથે પ્રગતિનો મંત્ર લઈને કામ કરે છે. ઈકોનોમી પણ અને ઈકોલોજી પણ… સુરતમાં આ પ્રત્યક્ષ દેખાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.