Western Times News

Gujarati News

પરીક્ષાતંત્ર દ્વારા ધોરણ ૧૦ –  SSC અને ૧૨ – HSC ની બોર્ડની જાહેર પરીક્ષાઓના સુચારા સંચાલન માટે ઘડી કઢાયેલો એક્શન પ્લાન

રાજપીપળા: આગામી તા. ૫ મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્‍ય – વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે લેવાય અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષામાં ભાગ લેવા સાથે આ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્‍લા કલેક્ટરશ્રી અને જિલ્‍લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે તાજેતરમાં યોજાયેલી જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા વહિવટીતંત્ર-પરીક્ષાતંત્ર દ્વારા સુચારૂ એક્શન પ્લાન ઘડી કઢાયો છે અને પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા સૌ કોઇને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સંદર્ભની કામગીરી ચોક્કસાઇપૂર્વક કરવા અનુરોધ કરાયો છે.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, શિક્ષણાધિકારીશ્રી ડૉ. એન.ડી. પટેલ, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિન શાહ, જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિનાં સદસ્યશ્રીઓ, પારિતોષિક વિજેતા શિક્ષકો સહિત સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં જિલ્‍લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાર્થીઓને કોઇપણ પ્રકારનો વિક્ષેપ કે મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્‍લાના એસ.ટી., પોલીસ, વિજ, આરોગ્ય જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી ખાસ તકેદારી રાખવાની પણ તેમણે સૂચનાઓ આપી હતી.

ઉક્ત બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. એન.ડી. પટેલે રજૂ કરેલી આંકડાકીય વિગતોમાં બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્‍લાભરમાંથી કુલ- ૧૮,૩૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૦,૯૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૨૬ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૬૫ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે  ૫,૩૪૦ પરીક્ષાર્થીઓ બેસશે,

જે માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૭૮ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પરીક્ષા કેન્દ્રો ખાતે પાંચ બિલ્ડીંગોના ૬૯ બ્લોકમાં ૨૦૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં રાજપીપલામાં એમ.આર.વિધાલય, સરકારી હાઇસ્કુલ અને કે.વી.એમ. સ્કુલ અને નવદુર્ગા હાઇસ્કુલ ખાતેનાં બિલ્ડીંગોમાં જ્યારે દેડીયાપાડામાં નિવાલ્દાની સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ ખાતે પરીક્ષા આપશે.

ડૉ. એન.ડી. પટેલ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ બોર્ડની પરીક્ષામાં રાજ્યકક્ષાએથી ફ્લાઇંગ સ્કોર્ડ તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ અદા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમ તા. ૪ થી માર્ચથી તા.૨૧ મી માર્ચ- ૨૦૨૦ સુધી સવારના ૮=૦૦ થી રાત્રિના ૮=૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમ ખાતે વિદ્યાર્થી-વાલીઓને પરીક્ષા સંબધી જરૂરી વિગતો અને જાણકારી અંગે માર્ગદર્શન ઉપરાંત કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે.

તેવી જ રીતે જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતેથી પણ કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે. જિલ્લામાં આ પરીક્ષાઓ દરમિયાન ગેરરીતીઓ આચરાય નહિ અને સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલમાં મુકાનારા જરૂરી એવા તમામ પ્રતિબંધાત્મક આદેશોના અમલીકરણમાં વિદ્યાર્થીઓ–વાલીઓ સહિત સૌ કોઇને સહયોગ આપવા જિલ્‍લા વહિવટીતંત્ર-પરીક્ષાતંત્ર તરફથી જાહેર અપીલ કરાઇ છે.

બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્‍લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવનાર હોઇ, ગેરરીતી કરનાર કે કરાવનાર કોઇપણ વ્‍યકિત કેમેરામાં કેદ થઇ જશે. કેમેરાના ફુટેજના આધારે આવી વ્‍યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. દરેક પરીક્ષા બિલ્‍ડીંગ ખાતે ORS પાવડરના પેકેટસ ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની દવાઓ સાથેની જરૂરી તમામ સામગ્રીનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.