સોલા સિવિલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો-પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું
(એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક બની છે. અસહ્ય ગરમી અને ભર ઉનાળાની વચ્ચે જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્્યું છે.
ચોમાસાના આગમન પહેલાં જ દૂષિત પાણી અને ખોરાકને કારણે ઝાડા-ઊલટી, તાવ અને ટાઈફોઈડના કેસોમાં તોતિંગ વધારો નોંધાયો છે. અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
હાલમાં સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોતાં અંદાજ લગાવી શકાય છે કે રોગચાળો કેટલો ગંભીર છે. હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ મુજબ છેલ્લા બે સપ્તાહમાં જ હોસ્પિટલની ઓપીડીનો આંકડો ૨૫,૦૦૪ ને પાર પહોંચી ગયો છે. રોગની ગંભીરતાને કારણે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૨૮૮ જેટલા દર્દીઓને એડમિટ (દાખલ) કરવા પડ્યા છે. ઉનાળામાં પાણીની અછત અથવા દૂષિત પાણીના પુરવઠાને કારણે પેટના રોગો વકર્યા છે.
સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૫ દિવસમાં જ હોસ્પિટલ દ્વારા ઝાડા-ઊલટી અને તાવના ૮૫ જેટલા સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ સિઝનમાં ખાસ કરીને ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના ૧૦ કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે ચોમાસા પહેલા જ મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ અને મેલેરિયાના શંકાસ્પદ કેસો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાવના દર્દીઓનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુના આશરે ૧૨૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી ૧૬ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મેલેરિયાની આશંકાને પગલે ૧૨૧૨ જેટલા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે. આ રોગચાળાની સૌથી માઠી અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. ઉનાળાની ગરમી અને ચેપી રોગોના કારણે માસૂમ બાળકોમાં ઝાડા-ઊલટીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
હાલમાં સોલા સિવિલના પીડિયાટ્રિક (બાળકોના) વોર્ડમાં ૧૦ જેટલા બાળકો ગંભીર લક્ષણોને કારણે સારવાર હેઠળ દાખલ છે. ડો. કુલીન વ્યાસે જણાવ્યું હતું કે, ઋતુ બદલાવાને કારણે અને ઉનાળાની ગરમીમાં દૂષિત પાણી-ખોરાકથી રોગચાળો ફેલાઈ રહ્યો છે.
