Western Times News

Gujarati News

ASIની કારમાંથી દારૂની બોટલ મળીઃ નશામાં ધૂત ASIએ કાર BRTS બસમાં ઘુસાડી

શું પોલીસ કર્મી જ કાયદાનો ભંગ કરીને નશાની હાલતમાં રસ્તા પર બેફામ ગાડી ચલાવશે તો….

(એજન્સી)સુરત, શહેરના અઠવાગેટ વિસ્તારમાં મોડી સાંજે એક ઘટના સામે આવી છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પોલીસકર્મી પર જ દારૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ લાગ્યો છે. અઠવાગેટ નજીક એક પોલીસકર્મીએ પુરપાટ ઝડપે કાર હંકારી પાછળથી બીઆરટીએસ બસને જોરદાર ટક્કર મારતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. Drunk ASI Sparks Outrage in Surat After Crashing Car Into Bus

પ્રાપ્ત વિગતો અનુસાર, અઠવાગેટ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર બસ નિયમિત રીતે પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી સ્વિફ્ટ કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.

સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નહોતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કારચાલક ભારે નશાની હાલતમાં હતો. બસ સાથે અથડામણ થયા બાદ પણ તે યોગ્ય રીતે ઊભો રહી શકતો ન હતો અને જાહેરમાં લવારા કરી રહ્યો હતો.

ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાને લઈને ભારે ચર્ચા શરૂ થઈ હતી. અકસ્માત બાદ કારની તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કારમાંથી પોલીસ વિભાગની વર્દી, બેલ્ટ તેમજ અન્ય સામાન મળી આવ્યો હતો. વધુ તપાસ દરમિયાન વર્દી પર લાગેલી નેમપ્લેટમાં અજય એચ. પટેલ નામ લખેલું હોવાનું જાણવા મળ્યું હતું.

એટલું જ નહીં, કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા કારચાલકની પૂછપરછ કરવામાં આવતા તે પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું હતું. નશાની હાલતમાં હોવાની શંકાના આધારે તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.