Western Times News

Gujarati News

ક્લિનિંગ સર્વિસના લોકોને ઘરે બોલાવતાં પહેલા વાંચી લો આ કિસ્સો

પ્રતિકાત્મક

અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

ક્લિનિંગ સર્વિસના બે યુવકો વૃદ્ધ મહિલાના ઘરમાંથી ૩,૭૫,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના ચોરી ફરાર

વસ્ત્રાપુરની ‘ચામુંડા ક્લિનિંગ સર્વિસ’માંથી આશરે ૨૫થી ૩૦ વર્ષના બે યુવકો સફાઈ માટે આવ્યા હતા.

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટના જોધપુરમાં, ઘરમાં સાફ-સફાઈ માટે બોલાવવામાં આવેલા ક્લિનિંગ સર્વિસના બે અજાણ્યા યુવકો વૃદ્ધ મહિલાના ઘરમાંથી ૩,૭૫,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે. વિશ્વાસ રાખીને કામ સોંપ્યા બાદ થયેલી આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જોધપુર ગામમાં આવેલા તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા ૬૯ વર્ષીય રશ્મીબેન જયંતીલાલ શાહે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓ વિધવા છે અને ઘરમાં એકલા રહે છે તેમજ જોધપુર ગામમાં જ આવેલા આર. આર. પીજીમાં કેરટેકર તરીકે નોકરી કરે છે.

મુંબઈ રહેતી તેમની દીકરી વેકેશનમાં ઘરે આવી હોવાથી, તેમણે ઘરની સાફ-સફાઈ કરાવવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ક્લિનિંગ સર્વિસના બે શખ્સોએ ૩,૭૫,૦૦૦ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી.

આ ઘટના ગત ૧૧ મેના રોજ બની હતી. રશ્મીબેનની ભત્રીજાવહુની ભલામણથી વસ્ત્રાપુરની ‘ચામુંડા ક્લિનિંગ સર્વિસ’માંથી આશરે ૨૫થી ૩૦ વર્ષના બે યુવકો સફાઈ માટે આવ્યા હતા.

તે સમયે રશ્મીબેન નોકરી પર ગયા હતા અને તેમની દીકરી મોહિની ઘરે હાજર હતી. બંનેમાંથી એક યુવક હોલમાં સફાઈ કરતો હતો, જ્યારે બીજો યુવક બેડરૂમમાં એકલો સફાઈ કરી રહ્યો હતો.

આ તકનો લાભ ઉઠાવી બેડરૂમમાં રહેલા લાકડાના કબાટના લોકર ઉપર જ પડેલી ચાવી વડે લોકર ખોલીને આ શખ્સે અંદરથી બે સોનાની પેન્ડલવાળી ચેઈન અને સોનાની કેપવાળું એક રુદ્રાક્ષનું બ્રેસલેટ સહિત કુલ ૩.૭૫ લાખના દાગીનાની ચોરી કરી હતી.

સફાઈકામ પૂરું થયા બાદ દીકરીએ તેમને ૩,૭૦૦ રૂપિયા ઓનલાઈન ચૂકવ્યા પણ હતા. બીજા દિવસે સાંજે રશ્મીબેને બુટ્ટી બદલવા માટે કબાટ ખોલતા દાગીના ગાયબ હોવાની જાણ થઈ હતી. આ અંગે બંને અજાણ્યા સફાઈ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.