ત્રણ હજારથી વધારે વડોદરા ઝોનના લોકોને મળી તાલીમ છેલ્લા 5 વર્ષમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન થકી
“નોકરી શોધનાર નહીં, પણ નોકરી આપનાર બનો” ના મંત્રને સાર્થક કરતા આ કેન્દ્રથી અનેક યુવાનો આજે પોતાના નાના-મોટા ઉદ્યોગો સ્થાપી ‘આત્મનિર્ભર‘ બન્યા
જૂનના અંતિમ બે દિવસ દરમિયાન વડોદરા ખાતે યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉદ્યોગ જગત માટે નવા દ્વાર ખોલવા જઈ રહી છે. આ સમિટના પૂર્વ આયોજનના ભાગરૂપે જ્યારે રાજ્યના ઔદ્યોગિક વિકાસની સમીક્ષા કરવામાં આવે છે, ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા જી. આઈ. ડી. સી. ખાતે કાર્યરત ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાનની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.
“નોકરી શોધનાર નહીં, પણ નોકરી આપનાર બનો” ના મંત્રને સાર્થક કરતા આ કેન્દ્ર એ છેલ્લા પાંચ વર્ષમાં ૩,૩૦૦ જેટલા તાલીમાર્થીઓને સજ્જ કરી ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં મજબૂત પાયો નાખ્યો છે.
ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિ શરૂ કરનાર સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (સી. ઈ. ડી.) એ રાષ્ટ્રની સર્વપ્રથમ સંસ્થા છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ સંસ્થાની વડોદરા પ્રાદેશિક કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. આ કેન્દ્ર દ્વારા વિવિધ ઉદ્યોગસાહસિકતા તાલીમ પ્રોગ્રામ અંતર્ગત ૩,૩૦૦ થી વધુ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક સઘન તાલીમ આપીને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે.
વાઘોડિયા જી. આઈ. ડી. સી. સ્થિત આ કેન્દ્ર માત્ર વડોદરા જ નહીં, પરંતુ આસપાસના અન્ય પ્રદેશો જેવા કે દાહોદ, પંચમહાલ, આણંદ અને છોટા ઉદેપુર જિલ્લાના યુવાનો, મહિલાઓ, ગૃહિણીઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો માટે સક્ષમ માર્ગદર્શક બન્યું છે, જે આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના લક્ષ્યોને પૂર્તિ કરવામાં મહત્વનું યોગદાન આપશે.
સી. ઈ. ડી. દ્વારા આપવામાં આવતી તાલીમ માત્ર સૈદ્ધાંતિક નથી, પરંતુ તે વ્યવહારુ જ્ઞાન પર આધારિત છે. સંસ્થા દ્વારા મુખ્યત્વે બે પ્રકારના મોડ્યુલ ચલાવવામાં આવે છે: મોડ્યુલ-૧ માં સમયગાળો ૩૦ દિવસનો હોય છે, જેમાં ચાર સપ્તાહ સુધી સઘન નિવાસી કે બિન-નિવાસી તાલીમ આપવામાં આવે છે, જ્યારે મોડ્યુલ-૨ નો સમયગાળો ૧૫ દિવસનો છે, જે બે સપ્તાહ માટે દૈનિક ત્રણ થી પાંચ કલાકની તાલીમ પૂરી પાડે છે.
તાલીમ દરમિયાન ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગની પસંદગી અને સ્થાપના એટલે કે કયો ધંધો શરૂ કરવો અને કેવી રીતે સ્થાપવો?, ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અને સબસિડીની વિગતવાર માહિતી, નાણાકીય વ્યવસ્થાપન એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો, બેંક લોન પ્રક્રિયા અને હિસાબી વ્યવસ્થા તેમજ માર્કેટિંગ અને ટેકનોલોજી (ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન અને વેચાણ કૌશલ્ય) જેવા મહત્વના વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
સી. ઈ. ડી. ની તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નવા ઉત્પાદકીય અને સેવાકીય એકમો સ્થાપી રોજગારીની તકો ઊભી કરવાનો છે. અહીં તાલીમ પામેલા ૩,૩૦૦ તાલીમાર્થીઓ પૈકી અનેક યુવાનો આજે પોતાના નાના-મોટા ઉદ્યોગો સ્થાપી ‘આત્મનિર્ભર‘ બન્યા છે.
આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ઇવેન્ટના મુખ્ય સ્થળ પર ઉદ્યોગસાહસિકતાને વધુ વેગ આપવા માટે વિશેષ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને અહીં ‘નારી વંદના‘ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યની સફળ મહિલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહીને પોતાની સંઘર્ષ અને સાફલ્યગાથાઓ રજૂ કરશે, જે નવી પેઢીની મહિલાઓ અને ગૃહિણીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.
આ સાથે જ, નવઉદ્યમીઓને એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક ભવ્ય ‘ઉદ્યમી મેળા‘ નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ૨૦ જેટલા અલગ-અલગ સ્ટોલના માધ્યમથી ઉદ્યોગસાહસિકતાને લગતી તમામ સેવાઓ, સરકારી યોજનાઓ, લોન પ્રક્રિયા અને જીવંત માર્ગદર્શન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વડોદરા ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માત્ર મોટા ઉદ્યોગોના રોકાણ પૂરતી સીમિત નથી, પરંતુ તે સ્થાનિક કક્ષાએ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત કરવાનો અને અંતરિયાળ વિસ્તારના યુવાનોને સક્ષમ બનાવવાનો એક ભગીરથ પ્રયાસ છે.
ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સી. ઈ. ડી.) ના સઘન તાલીમ કાર્યક્રમો અને સરકારની પ્રોત્સાહક નીતિઓના સમન્વયથી ગુજરાત આજે દેશભરમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. આ કોન્ફરન્સ આગામી દિવસોમાં નવા રોજગારના અવસરો ઉભા કરવા અને ‘મેક ઇન ઇન્ડિયા‘ તેમજ ‘આત્મનિર્ભર ભારત‘ ના વિઝનને ગતિ આપવામાં માઈલસ્ટોન સાબિત થશે.
