Western Times News

Gujarati News

પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલી નેશનલ હાઈવે ઓથોરિટી સામે બેદરકારીના આક્ષેપો 

Screenshot

વિજયનગરના સારોલી પાસે માત્ર ૪ ઈંચ વરસાદમાં નેશનલ હાઈવે ધોવાયો- વાહન વ્યવહાર ખોરવાતા મુસાફરો અટવાયા

(પ્રતિનિધિ) મોડાસા, વિજયનાગર તાલુકામાં પડેલા પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વિજયનગર તાલુકામાં માત્ર ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જ ઈડર, ખેડબ્રહ્મા અને વિજયનગરને જોડતો મુખ્ય નેશનલ હાઈવે વિજયનગરના સરોલી પાડે ધોવાઈ ગયો છે.

આ માર્ગ પર મોટા પાયે નુકસાન થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના લીધે હજારો મુસાફરો અને વાહનચાલકો કલાકો સુધી રસ્તામાં રાત્રીના સમયે અટવાઈ પડ્‌યા હતા.

વિજયનગર તાલુકામાંથી પસાર થતા રાજસ્થાન અને ગુજરાતને જોડતો મહત્વપૂર્ણ નેશનલ હાઈવે નંબર-૫૮ સારોલી ગામ નજીક ભારે નુકસાનગ્રસ્ત બન્યો છે. વરસાદી પાણીના વહેણના કારણે હાઈવેનો મોટો હિસ્સો ધોવાઈ ગયો છે .

આ હાઈવે પર હાલમાં નવનિર્માણ અને સમારકામનું કામ ચાલુ હોવાથી વાહનોની અવરજવર માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નબળી કામગીરીના કારણે આ સર્વિસ રોડની હાલત પણ અત્યંત ખરાબ થઈ ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતાં વાહનો પસાર થવા અશક્ય બન્યા હતા.

હાઈવે ધોવાઈ જવાની આ ઘટનાને પગલે બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અનેક વાહનો રસ્તાની વચ્ચે જ અટવાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. તંત્રની આ ઢીલી નીતિ અને લાપરવાહીને કારણે સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભ્રષ્ટાચાર અને ઘોર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે કે માત્ર ૪ ઈંચ જેવા સામાન્ય વરસાદમાં કરોડોના ખર્ચે બનતો હાઈવે કેવી રીતે ધોવાઈ શકે?

હાલમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અથવા સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. યુદ્ધના ધોરણે આ હાઈવેનું સમારકામ કરી માર્ગને તાકીદે ખુલ્લો કરવામાં આવે એવી સ્થાનિકોની રજૂઆત છે

દરમિયાન આજે તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઈ બારાએ નુકસાનગ્રસ્ત હાઇવે સ્થળની મુલાકાત લીધી હતી અને થયેલ નુકસાન નિહાળી આ કામ ઝડપથી થાય એ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સ્થાનિકોને ખાત્રી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.