Western Times News

Gujarati News

પ્રવાસીઓની ચહલપહલથી જીવંત થયું સાપુતારા હિલ સ્ટેશન

File Photo

સાપુતારા, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસન સિઝનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચારેબાજુ છવાયેલી હરિયાળી, ગાઢ ધુમ્મસની ચાદર અને વરસાદી માહોલની મજા માણવા માટે સમગ્ર રાજ્યમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતા પ્રકૃતિપ્રેમીઓ માટે સાપુતારા હાલ પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે, જેના કારણે લાંબા સમય પછી આ હિલ સ્ટેશન ફરી એકવાર પ્રવાસીઓની ચહલપહલથી જીવંત બની ગયું છે.

ચોમાસાના પ્રારંભ સાથે જ સાપુતારાના ડુંગરોએ લીલીછમ ચાદર ઓઢી લીધી છે. પહાડો વચ્ચેથી પસાર થતું ગાઢ ધુમ્મસ અને સતત વરસતા વરસાદી ઝાપટાં પ્રવાસીઓ માટે અદભુત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાપુતારાના હાર્દ સમાન સર્પગંગા તળાવમાં બોટિંગનો આનંદ માણવા માટે સવારથી જ સહેલાણીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

પ્રવાસીઓ આ નયનરમ્ય અને યાદગાર ક્ષણોને પોતાના કેમેરા અને મોબાઇલમાં કેદ કરતા નજરે પડી રહ્યા છે. તળાવ ઉપરાંત સાપુતારાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ‘ટેબલ પોઇન્ટ’ પર પણ ભારે ભીડ ઉમટી રહી છે.

અહીં આવેલા પ્રવાસીઓ, ખાસ કરીને બાળકો અને યુવાનો, ઘોડેસવારી, ઊંટસવારી અને વિવિધ પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીઝનો રોમાંચ માણી રહ્યા છે. વીકએન્ડ દરમિયાન શનિ-રવિવારની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે સાપુતારાની તમામ સરકારી અને ખાનગી હોટલો તેમજ રિસોર્ટ્‌સ અત્યારથી જ લગભગ હાઉસફુલ થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.