Western Times News

Gujarati News

નડિયાદ સુન્ની વહોરા જમાતની ચૂંટણીમાં ગેરરીતિ અંગે કલેક્ટરને આવેદનપત્ર

૪૦ વર્ષથી ચૂંટણી ન થઈ હોવાના આક્ષેપ સાથે વકફ બોર્ડના આદેશનું ઉલ્લંઘન થતું હોવાની રજૂઆત

(પ્રતિનિધિ) નડિયાદ, નડીઆદ ખાતે કાર્યરત રજિસ્ટર્ડ ટ્રસ્ટ “બી-૧૧ સુન્ની વહોરા જમાત, વ્હોરવાડ, માં છેલ્લા ૪૦ વર્ષથી બંધારણ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી હોવાના અને બની બેઠેલા વહીવટદારો દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

નડિયાદના અગ્રણી મહંમદશરીફ ગફુરભાઈ મોટાના, મહેબુબભાઈ મહંમદભાઈ બાબુના તેમજ ફારૂકભાઈ બિલાલભાઈ વાંકાવાલા , આબિદભાઈ ડુચ અને અન્ય સભ્યો દ્વારા જિલ્લા કલેકટરને આપેલા આ આવેદનપત્રમાં નડીઆદ સુન્ની વહોરા જમાતની ચૂંટણીઓમાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની અને કાયદાકીય આદેશોની અવગણના થતી હોવાની સનસનાટીભરી વિગતો રજૂ કરાઈ છે.

આવેદનપત્રમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, વર્ષ ૧૯૫૦ના મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલા આ ટ્રસ્ટના પી.ટી.આર.ના નિયમો મુજબ દર ૩ વર્ષે જનરલ મીટિંગ બોલાવી લોકશાહી ઢબે સભ્યો ની ચૂંટણી કરવાની અને તેમાંથી પ્રમુખ નીમવાની સ્પષ્ટ જોગવાઈ છે. તેમ છતાં, છેલ્લા ૪૦ વર્ષથી આ પ્રક્રિયા બંધ રાખવામાં આવી હોવાથી જાગૃત સભ્યો દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં કાયદાકીય લડત શરૂ કરવામાં આવી હતી.

આ લડતના ભાગરૂપે અગાઉ વકફ બોર્ડના આદેશથી મે ૨૦૨૫માં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આખરી ૩૦ ઉમેદવારોની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ કેટલાક સ્થાપિત હિતો દ્વારા અસામાજિક તત્વોનો ખોટો ભય બતાવીને કાવતરાપૂર્વક આ ચૂંટણી પ્રક્રિયા રદ કરાવી દેવામાં આવી હતી.

આ મામલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ ડો. મોહસીન લોખંડવાલા સમક્ષ ચાલેલી લાંબી સુનાવણીના અંતે ગત તા. ૧૬/૦૪/૨૦૨૬ના રોજ વકફ બોર્ડ દ્વારા એક કડક હુકમ કરવામાં આવ્યો હતો.

જેમાં ચૂંટણી પ્રક્રિયા જ્યાંથી અટકાવવામાં આવી હતી ત્યાંથી જ આગળ ધપાવીને આગામી ૪૫ દિવસની અંદર સમગ્ર પ્રક્રિયા પારદર્શી રીતે પૂર્ણ કરવા અને બોર્ડના બે સત્તાવાર કર્મચારીઓની હાજરીમાં જ મતદાન યોજવા આદેશ કરાયો હતો. આ આદેશ છતાં આજે ૭૮ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં વર્તમાન બની બેઠેલા વહીવટદારો દ્વારા વકફ બોર્ડને ચૂંટણીની તારીખ અંગે કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી કે કોઈ નક્કર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, જે કાયદાની સીધી અવગણના સમાન છે.

સમગ્ર મામલે આક્રોશ વ્યક્ત કરતા અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સુન્ની વહોરા સમાજ ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ની જનસંખ્યા ધરાવે છે અને સમાજ હસ્તક કોમ્યુનિટી હોલ સહિત કરોડો રૂપિયાની કિંમતી મિલકતો તેમજ ફંડો આવેલા છે. આટલી વિશાળ સામાજિક સંપત્તિઓનો વહીવટ કાયદેસરની સમિતિ વગર માત્ર ગણતરીના બની બેઠેલા વહીવટદારોના હાથમાં સોંપાયેલો રહે તે અત્યંત ચિંતાજનક અને શંકાસ્પદ છે.

વકફ બોર્ડના અધ્યક્ષ પોતાના જ હુકમનું પાલન કરાવી શકતા ન હોઈ અથવા વહીવટદારોને છાવરતા હોઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, તેથી નૈતિકતાના ધોરણે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. અરજદારોએ ખેડા જિલ્લા કલેક્ટરશ્રીને આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરી સમાજના વ્યાપક હિતમાં યોગ્ય અને કાયદેસરની ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવા પ્રબળ માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.