16 વર્ષથી નાના વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા-AIના ઉપયોગ પર નિયંત્રણની તૈયારી
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમ અને છૈં પર વધતી નિર્ભરતા તેમના માનસિક તેમજ શૈક્ષણિક વિકાસને અસર કરી રહી હોવાની ચિંતાને ધ્યાનમાં રાખીને આ કવાયત શરૂ કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ૧૬ વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણયને સમર્થન આપ્યા બાદ ગુજરાત સરકાર પણ રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને નિયંત્રિત કરવા માટે નીતિનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધતા સ્ક્રીન ટાઈમ અને એઆઈ પર વધતી નિર્ભરતા તેમના માનસિક તેમજ શૈક્ષણિક વિકાસને અસર કરી રહી હોવાની ચિંતાને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારની વિચારણા માત્ર સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત નથી. બાળકોમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય, એકાગ્રતા અને વર્તન પર થતી નકારાત્મક અસરો અંગે અનેક અભ્યાસ થઈ ચૂક્યા છે. તેની સાથે હવે વિદ્યાર્થીઓમાં છૈં આધારિત સાધનો પર વધતી નિર્ભરતા પણ સરકારની ચિંતાનો વિષય બની છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ એઆઈનો અતિશય ઉપયોગ વિદ્યાર્થીઓની સ્વતંત્ર રીતે વિચારવાની, તર્ક કરવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાને અસર કરી રહ્યો છે. તેથી, તે મુદ્દાનો પણ માર્ગદર્શિકા તૈયાર કરતી વખતે વિસ્તારથી અભ્યાસ કરવામાં આવશે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા નિયંત્રણોના અમલીકરણમાં અનેક પડકારો છે. ખાસ કરીને ઘરે કોઈ વ્યક્તિગત મોબાઈલ અથવા અન્ય ઉપકરણ પર સોશિયલ મીડિયા બાળકો વાપરી રહ્યું છે કે પુખ્ત વ્યક્તિ, તેની અસરકારક દેખરેખ રાખવી સરળ નથી. તેથી અમલીકરણ માટેના તંત્ર અંગે ખૂબ જ વિચારપૂર્વક નિર્ણય લેવો પડશે.
